‘તું ભણેલી છો, નોકરી કરે છે એટલે ઘરકામ કરતી નથી’, કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ
કોઠારીયા રોડ નિલકંઠ પાર્કમાં રહેતી શિક્ષિકા ચાંદનીબેન વિશાલભાઇ ધામેલીયા (ઉ.વ.37)એ તેમના પતિ વિશાલ, સસરા કિશોર મનજીભાઇ, સાસુ માયાબેન કિશોરભાઇ, જેઠ રાજનભાઇ અને જેઠાણી પરિતાબેન (રહે.બ્લોક નં.4 ડોકટર સોસાયટી, સાધુ વાસવાણી રોડ) વિરૂધ્ધ ત્રાસ અંગેની ફરીયાદ નોંધાવી હતી.
ચાંદનીબેને ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા તેમને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે અને છેલ્લા સાતેક મહીનાથી તેણી માવતરે રહે છે. લગ્નના અમુક વર્ષ બાદ પતિ ત્રાસ આપતો અને ચારિત્ર્ય પર શંકા કરતો હતો તેમજ બદનામ કરવાની ધમકી આપી પોતે શિક્ષિકાની નોકરી કરતી હોય તેમનો પગાર પતિ લઇ લેતો હતો.તેમજ નોકરીના સ્થળે ધજાગરા કરવાની અને પગારથી મકાનના હપ્તા ભરાવતો હતો. તેમજ આપઘાત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી દઇશ તેવી ધમકી આપતો હતો. સાસુ અને જેઠાણી કહેતા કે તું ભણેલી છો, નોકરી કરે છે એટલે ઘરકામ કેમ કરતી નથી? તેઓ પતિને ચડામણી કરે તો પતિ મારકુટ કરતો હતો.
લગ્ન બાદ પિતા અને કૌટુંબીક પિતરાઇ ભાઇ ઘરે આવે ત્યારે સાસરીયાઓને ગમુત નહીં અને અપમાન કરતા હતા. જુલાઇ-2020માં ચાંદનીબેનના ખાતામાંથી રૂા.10 લાખની હોમલોન લેવડાવી પતિએ મકાનની ખરીદી કરાવી અને મકાનના દસ્તાવેજમાં દાદાગીરીથી નામ જોઇન્ટ કરાવ્યું હતું અને મકાનનું ફર્નીચર રૂા.7 લાખનું પણ ચાંદનીબેને કરાવ્યું હતું. ત્યારબાદ ચાંદનીબેને લીધેલી બલેનો કાર પણ પતિએ પડાવી લીધી હતી. પિતરાઇ ભાઇ હિમાંશુના લગ્ન હોય સાસરીયા પાસેથી દાગીના પહેરવા માંગ્યા તો તેઓએ આપ્યા નહી. ત્યારબાદ પતિએ મકાનના દસ્તાવેજમાંથી નામ રદ કરાવી નાખવાની અને દાગીના અને કપડા લઇ જવાની વાત કરતા ચાંદનીબેને છુટાછેડા કરવાની ના પાડી હતી તેમજ સાસરીયાઓએ ચાંદનીબેનને કાઢી મુકતા તેમજ સાસરીયાઓ સમાધાન કરવા માંગતા નહોય અંતે પોલીસમાં ત્રાસ અંગે ફરીયાદ નોંધાવી હતી.