રાજકોટમાં ઉમરાહના બહાને 200થી વધુ લોકો સાથે લાખોની ઠગાઈ
ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામે ઓફિસ ખોલી 19 લોકો પાસેથી 14 લાખની રોકડ પડાવી
એક મહિલા સહિત ત્રણ સામે નોંધાતો ગુનો : ટોળકીને સકંજામાં લેવા અલગ અલગ ટીમો બનાવાઇ
રાજકોટ શહેરમાં ઉમરાહ હજ લઈ જવાના બહાને રાજકોટ શહેરના ભગવતિપરામાં રજવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે ઓફિસ ખોલી કુલ 19 લોકો પાસેથી 14. 6 લાખ જેવડી મોટી રકમ ઉઘરાવીટોળકીએ વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કર્યાની બીડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે તપાસ કરતા કુલ 200 થી વધુ લોકો સાથે છેતરપીંડી થયાનું ખુલવા પામ્યું છે. ટોળકીને સકંજામાં લેવા બીડીવીઝન તેમજ એલસીબી ઝોન 1 ની ટીમો કામે લાગી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ વિગતો મુજબ રાજકોટ શહેરના બેડીપરા ફાયર સ્ટેશન પાસે મદ્રાશાવાળી શેરીમાં રહેતા અને જુદા જુદા કાર્યક્રમોમાં ઈવેન્ટ ડેકોરેશનનું કામ કરતા સમીરભાઈ રજાકભાઈ મુલતાણી ઉ.વ.28 વાળાએ પોતાની ફરિયાદમાં ભગવતીપરા યદુનંદન હોસ્પિટલની સામે આવેલી રજવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલીક અફઝલભાઈ રૂમી, ફિરોજ જાફાઈ અને બિસ્મીલાબેનનું નામ આપતા તેઓ સામે હાલ વિશ્ર્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં બીડીવીઝન પોલીસ મથકના પીઆઈ રાણે અને ટીમે તપાસ શરૂ કરી છે.
સમીરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ પહેલા તેઓ અને તેમના પત્નીએ તેમના માતા-પિતા વૃદ્ધ થઈ ગયા હોય તેથી ઉમરાહ હજની ધાર્મિક યાત્રા કરાવવાની નક્કી કરી હતી. ત્યાર બાદ તેઓએ ભગવતીપરા યદુનંદન હોસ્પિટલની સામે આવેલી રજવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલીક અફઝલ રૂમી, ફિરોઝ જાફાઈ અને બિસ્લીલાબેનનો સંપર્ક કરી તેઓને તા. 14-7 ના રોજ રૂબરૂ મળ્યા હતા અને તેઓને પુછપરછ કરતા જણાવ્યું હતું કે, સાઉદી અરબ જવા માટે ટીકીટ પાસપોર્ટ અને રહેવા-જમવાની વ્યવસ્થા સહિતનો ખર્ચ વ્યક્તિદીઠ 61 હજારથી લઈ 75 હજાર જણાવ્યું હતું. અને આ ટીકીટ વહેલી બુક કરાવશો તો ઓછો ખર્ચ થશે તેમ પણ જણાવ્યું હતું.
જેથી સમીરભાઈએ તેમના માતા-પિતા, બન્ને પતિ-પત્ની અને પુત્ર અને એક પિતરાઈની એમ કુલ 6 ટીકીટ બુક કરાવી હતી. જેમાં તેઓએ અલગ અલગ સમયે નાણા ટ્રાન્સફર કર્યા હતા.ં ત્યાર બાદ તા. 27-11ના રોજ સમીરભાઈના મોટાભાઈ રિયાઝભાઈ તેમજ તેમના સગાભાભી રોશનબેનને પણ ઉમરાહ જવું હોય તેથી વધારાની ટીકીટ ઉમેરવા માટે ફિરોજભાઈને અને અફઝલભાઈને રૂા. 1.45 લાખ રોકડા આપ્યા હતાં.
જેમની પહોંચ તેઓને મળી ગઈ હતી. તેમજ ત્યાર બાદ તેઓએ અલગ અલગ તારીખ બીજા 1.19 લાખ ની રકમ ચુકવી હતી. ત્યાર બાદ આ ટુર્સમાં જવા વાળા રફિક અબ્દુલ રહેમાન, તોફીક રજાક શાહમદાર, આઝમ ફારુક મનસુરી, અબ્દુલ રહીમ જીમંજી મારવિયા, થુરકાન રહિમ બોરડીવાલા આમ તેઓએ મળી કુલ રૂા. 14.06 લાખ રૂપિયા ચુકવ્યા હતાં અને તેઓએ ખાતરી આપી હતી કે, આમ 19 વ્યક્તિઓને ઉમરાહ કરાવીને પરત લાવીશું.
જો કે, ત્યાર બાદ જાણવા મળ્યું કે, આ લોકોએ છેતરપીંડી કરી છે જેથી તમામ ભોગ બનનારોએ બીડીવીઝન પોલીસ મથકમાં પહોંચી ઠગાઈ અને વિશ્ર્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી હતી. તેમજ આ ઘટનામાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ ટોળકીએ 200 થી વધુ લોકો સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. આ ઘટનામા રાજયભરમા 200 થી વધુ લોકો છેતરાયા હોવાનુ અનુમાન પોલીસે લગાડયુ છે. જેમા ફિરોઝ અને અફઝલ બંને પકડાયા બાદ સાચો આંકડો બહાર આવશે. આ છેતરપીંડીમા આરોપીઓએ લાખોની રકમ ઓળવી જઇ ભુર્ગભમા ઉતરી ગયા હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
ભોગ બનનારમાંથી ઘણા લોકોએ ઉછીના લઇ ઉમરાહ કરવા પૈસા ચુકવ્યા હતા
રાજકોટ શહેરમા ઉમરાહ, હજજ, કરવા જવા માટે ભગવતીપરામા આવેલી રઝવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ લાખોની રકમ પડાવી લીધાની ઘટના પોલીસમા નોંધાઇ છે. ત્યારે આ ઘટનામા હાલ પોલીસ સુત્રોમાથી માહીતી મળી રહી છે કે ભોગ બનનાર ર00 લોકોમાથી અમુક લોકોએ ઉછીના નાણા લઇ ઉમરાહ જવા માટે ટ્રાવેલ્સ સંચાલકોને પૈસા ચુકવ્યા હતા. પરંતુ હવે ટ્રાવેલ્સના સંચાલકો ફરાર થઇ જતા ભોગ બનનારાઓ પણ હવે ચિંતામા મુકાયા છે.
યાત્રાળુઓને અમદાવાદ એરપોર્ટ પર ફ્રોડની જાણ થતાં હોબાળો મચાવ્યો
આ ફ્રોડ અંગેની ફરિયાદમાં જાણવા મળ્યું હતું કે, તમામ યાત્રાળુઓ તા. 4 જાન્યુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા ત્યારે તેઓને જાણવા મળ્યું કે, તેઓ સાથે ઉમરાહ હજ લઈ જવાના બહાને પૈસા પડાવી ફ્રોડ કરવામાં આવ્યો છે. જેથી તેઓએ ત્યાં હોબાળો મચાવ્યો હતો. અને તેઓ રસ્તામાં બિસ્મીલાબેનને મળતા તેની પાસેથી જાણવા મળ્યું હતું કે, અફઝલ અને ફિરોજ બન્નેએ 60 લોકોનું બુકિંગ કરી પોતાના ફોન બંધ કરી દીધા છે. અને પાસપોર્ટ તથા ટીકીટ અંગે પણ તેઓ બન્નેએ કંઈ જાણ કરી નથી. આ મામલે હવે પોલીસ દ્વારા આ ટોળકીને પકડવાતજવીજ શરૂ કરી છે.