મોરબીમાં વ્યાજખોરનો આતંક: એક લાખના 70 હજાર ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણી
યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ
મોરબીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવાન પર વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. નાની વાવડી રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે ભક્તિનગરમાં રહેતા હર્ષદભાઈ મનુભાઈ કંઝારીયા (28)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, હર્ષદભાઈએ કાલિકા પ્લોટ દરગાહ પાસે રહેતા કૃણાલ શાહ પાસેથી 30 ટકાના વ્યાજે એક લાખ રૂૂપિયા લીધા હતા. આ રકમ સામે તેમણે વ્યાજ પેટે 70,000 રૂૂપિયા ચૂકવી દીધા હતા. આમ છતાં, આરોપી કૃણાલ શાહે તેમની પાસેથી 1.70 લાખ રૂૂપિયાની વધારાની માગણી કરી હતી.
ઘટના ત્યારે બની જ્યારે હર્ષદભાઈ વાવડી રોડથી પંચાસર રોડ તરફ જતા કાચા રસ્તે અભિનવ સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આરોપીએ તેમને રોકીને બળજબરીપૂર્વક પૈસાની ઉઘરાણી કરી અને ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી શરૂૂ કરી છે. એ ડિવિઝનના ઙજઈં એન.એ.ગઢવી આ કેસની તપાસ કરી રહ્યા છે. આ ઘટના વ્યાજખોરીની સમસ્યાની ગંભીરતા દર્શાવે છે, જ્યાં સામાન્ય નાગરિકોને ઊંચા વ્યાજદર અને ધમકીનો સામનો કરવો પડે છે.