મોબાઇલની મોકાણ: ફોન મુદ્દે ભાઇ સાથે ઝઘડો થતા બહેને વખ ઘોળ્યું
કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે પરિવાર સાથે પેટીયુ રળવા આવેલી 14 વર્ષની સગીરાને મોબાઈલ મુદ્દે ભાઈ સાથે ઝઘડો થતા તેણીને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. સગીરાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે રહેતા શામજીભાઈ નરશીભાઈની વાડીએ ખેત મજૂરી કરતા પરિવારની સેજલ મુકેશભાઈ નીનામા નામની 14 વર્ષની સગીરા સવારના દસેક વાગ્યાના અરસામાં વાડીએ હતી. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કારતા કાલાવડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સેજલબેન નીનામાનો પરિવાર મૂળ સંતરામપુરનો વતની છે અને સેજલ નીનામાં બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ છે સેજલ નીનામાને ફોન મુદ્દે મોટાભાઈ અજીત સાથે બોલાચાલી થતા તેણીને માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.