150 ફૂટ રીંગ રોડ પર રીલાયન્સ ડિઝિટલ શો-રૂમમાંથી મોબાઇલની ચોરી
શહેરનાં ઓમનગર સર્કલ પાસે ભાડાનાં મકાનમા રહેતા દિલીપ નાગજીભાઇ ધંધુકીયા (ઉ.વ. 4ર) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા રીલાયન્સ મોલમા આવેલા રીલાયન્સ ડીજીટલ નામની કંપનીમા મટીરીયલ ઓફીસર તરીકે નોકરી કરે છે. અને આ શોરૂમમા ઇલેકટ્રોનીકસ વસ્તુઓનુ વેચાણ થાય છે. ગઇ તા. 22-5 નાં રોજ સાંજનાં સાતેક વાગ્યે કંપનીનાં શોરૂમમા રાખેલા ઇલેકટ્રોનીક વસ્તુઓનુ ખરીદ વેચાણનુ સ્ટોક ચેક કરતા હતા. તે સમયે કંપનીનો એક મોબાઇલ ગુમ થયો હોવાનુ જાણવા મળ્યુ હતુ.
ત્યારબાદ સીકયુરીટી ડીપાર્ટમેન્ટને બનાવની જાણ કરતા તેઓએ સીસીટીવી ફુટેજ જોતા બપોરનાં દોઢેક વાગ્યાનાં આસપાસ એક અજાણ્યો શખસ આ રપ હજારનો ઓપો મોબાઇલ ચોરી જતો નજરે પડે છે. ત્યારબાદ ઓપો કંપનીની વેબસાઇટ પર આ મોબાઇલ ટ્રેસ કરવાની કોશીષ કરી પરંતુ કોઇ જાણકારી મળી ન હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.