ધારાસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. ઉપર હુમલો
સફાઇ કામદારોના પ્રશ્ર્નની ચર્ચા દરમિયાન મોબાઇલમાં શુટીંગ કરતા ધારાસભ્ય ગુંડાગીરી પર ઉતરી આવ્યા
વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કર્મચારીઓની રજૂઆત સાંભળવા માટે ગયેલા ધારાસભ્યનો વાંકાનેરના માજી કાઉન્સિલર તેમજ પત્રકાર દ્વારા વિડીયો બનાવવામાં આવતો હોય ધારાસભ્યએ વિડીયો બનાવવા માટે ના પડી હતી ત્યારબાદ પત્રકાર પાસેથી મોબાઇલ લઈને તે વિડીયો ડીલીટ કર્યો હતો તે બાબતને લઈને પત્રકાર દ્વારા તેના ઉપર ધારાસભ્ય અને તેના સાથે રહેલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ગુજરાતભરની પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને વ્યાપક રોષ ફેલાયો છે.
વાંકાનેરમાં રહેતા પત્રકાર અને વાંકાનેર નગરપાલિકાના માજી કાઉન્સિલર ભાટી એન ના જણાવ્યા મુજબ વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નને લઈને તેઓને બોલાવવામાં આવ્યા હતા જેથી તેઓ ત્યાં ગયા હતા અને કવરેજ કરી રહ્યા હતા તેવામાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ તેની સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા કેતનગીરી ગોસ્વામી વિગેરે ત્યાં સફાઈ કર્મચારી સાથે વાત કરી રહ્યા હતા જેનું તેઓ વિડીયો રેકોર્ડિંગ કરતાં હતા ત્યારે જીતુભાઈ સોમાણીએ વિડીયો રેકોર્ડિંગ કરવાની ના પાડી હતી અને તને મારો ઇતિહાસ ખબર છે તેવું કહ્યું હતું ત્યાર બાદ બળજબરીપૂર્વક ભાટી એન પાસેથી મોબાઈલ લઈને તેમાં રહેલ વિડિયો ડીલીટ કર્યો હતો અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો છે જેથી ઈજા પામેલ પત્રકાર વાકાનેરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ છે અને ધારાસભ્યની સાથે રહેલા વ્યક્તિઓ દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેવો ભાટી એન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
જો કે, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતુ કે, વાંકાનેર નગરપાલિકામાં રોજમદાર તરીકે કામ કરતા સફાઈ કર્મચારીઓ પાલિકામાં રજૂઆત કરવા માટે પાલિકા કચેરીએ આવ્યા હતા અને ચીફ ઓફિસર હાજર ન હોવાથી પાલિકાના કર્મચારી દ્વારા તેઓને જાણ કરવામાં આવી હતી જેથી તેઓ અને પાલિકાના ચૂંટાયેલા સભ્યો પાલિકા કચેરીએ ગયા હતા અને સફાઈ કામદારો પાલિકાના રસ્તા વચ્ચે બેઠા હતા જેથી જીતુભાઈ સોમાણી તેની સાથે વાત કરતા હતા ત્યારે ભાટી એન દ્વારા તેમનો વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો જેથી કરીને જીતુભાઈ સોમાણીએ વિડીયો બનાવવા માટેની ના પાડી હતી તેમ છતાં પણ વિડિયો ચાલુ રાખવામાં આવ્યો હતો જેથી જીતુભાઈ સોમાણીના સાથે રહેલા કાર્યકરો દ્વારા ભાટી એન પાસેથી મોબાઇલ લઈને જીતુભાઈ સોમાણીનો જે વિડીયો હતો તે ડીલીટ કરવામાં આવ્યો હતો બાકી કોઈ મારામારી કરવામાં આવી નથી. તેવું ધારાસભ્યએ જણાવ્યુ છે.