રાજકોટથી ગુમ થયેલ તરૂણને દિલ્હીથી પોલીસે શોધી કાઢ્યો
રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલા 15 વર્ષના તરૂણને પોલીસે રાજકોટથી દિલ્હી સુધી 1500 કિ.મી.નો સફર ખેડીને અલગ અલગ શહેરોમાં તપાસ કરી 36 કલાકમાં શોધી કાઢી પરિવારને સોંપ્યો હતો.પોલીસની આ કામગીરીથી બાળકના પરિવારજનોએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.
ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં એક 15 વર્ષના તરૂણની ગુમ થવા અંગેની નોંધ તેના પરિવાર દ્વારા ગત તા.5-6નાં રોજ કરવામાં આવી હતી. બાળકનું અપહરણ થયાની કોર્ટની ગાઈડલાઈન મુજબ પોલીસે ફરિયાદ લીધી હતી. આ અંગે ગુનાની ગંભીરતાને જોતાં ભોગ બનનાર તરૂણને કોઈ નુકસાન ન થાય તે માટે ભક્તિનગરના પીઆઈ એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઈ જે.જે.ગોહિલ સાથે મહાવીરસિંહ ચુડાસમા, પ્રકાશભાઈ અને તેમની ટીમે આ બાળકને શોધવા માટે કામે લાગ્યા હતાં.
પ્રથમ સુરેન્દ્રનગર ખાતે બાળકને જોયો હોવાની માહિતીને આધારે ભક્તિનગર પોલીસની ટીમ સુરેન્દ્રનગર પહોંચી હતી ત્યાંથી મહેસાણા અને અમદાવાદ તરફની માહિતી મળતાં આ તરૂણને શોધવા માટે અમદાવાદ રેલવે સ્ટેશને અને મહેસાણામાં તપાસ કરી હતી તે દરમિયાન આ બાળક દિલ્હી તરફ હોવાની વિગતો મળતાં ભક્તિનગર પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી. જ્યાં દિલ્હીના એરપોર્ટ, મેટ્રો સ્ટેશન તથા પહાળગંજ વિસ્તારની હોટલ તેમજ આસપાસના ટેકસી ચાલક અને રીક્ષા ચાલકોની પુછપરછના આધારે આ ગુમસુદા તરૂણની માહિતી મેળવવા માટે ભક્તિનગર પોલીસે 1500 કિ.મી.ની સફર કરી 36 કલાકની જહેમત બાદ અંતે નોઈડા વિસ્તારમાં મેટ્રો સ્ટેશન અને ટેકસી સ્ટેન્ડ આસપાસ બાદ નોઈડા મેટ્રો રેલવે સ્ટેશનમાંથી આ બાળકને શોધી કાઢી તેને રાજકોટ લાવી તેના પરિવારને સોંપ્યો હતો. ભક્તિનગર પોલીસે ટેકનીકલ તથા હ્યુમન સોર્સિંસના આધારે રાજકોટથી લઈ દિલ્હી સુધી 36 કલાકમાં 1500 કિ.મી.ની સફર કરીને તરૂણને શોધી કાઢી પોલીસ પ્રજાની મિત્ર છે તે સુત્ર સાર્થક કરી પરિવારને બાળકને સોંપતા પરિવારજનોની આંખમાં પણ ખુશીના આસુ આવી ગયા હતાં.