સોખડા ચોકડી પાસેથી સગીરાનું અપહરણ કરી બસમાં અડપલાં કર્યા : આરોપીની ધરપકડ
શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સોખડા ચોકડી નજીકથી પરપ્રાંતિય શખ્સ સગીરાનું અપહરણ કરી અમદાવાદ પહોંચ્યો હતો જ્યાંથી બિહાર ભાગે તે પૂર્વે કાલુપુર પોલીસ સ્ટેશનેથી ઝડપી લીધો હતો.
બસમાં સગીરા સાથે અડપલા પણ કર્યા હોવાથી પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાછળ આવેલા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને મુળ બિહારનો અને હાલ સોખડા ચોકડી પાસે ગેરેજમાં કામ કરતો આમીર ઉર્ફે રાજ તુફાની સબ્જી હીરોઝ નામનો શખ્સ લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી ગત તા. 15ના રોજ સાંજે અપહરણ કરી ગયો હતો.
દરમિયાન અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનેથી બિહાર ભાગે તે પૂર્વે રેલવે સ્ટેશન પર હાજર પોલીસ જવાનોને શંકાસ્પદ લાગતા આરોપીની પુછપરછ કરતા તે સગીરાને ભગાડી જતોં હોવાનું જાણવા મળતા રાજકોટ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસે સગીરા અને આરોપીને રાજકોટ લાવી પુછપરછ કરતા સગીરાએ જણાવેલ કે, આરોપી તેનું રાજકોટથી અપહરણ કરી ચોટીલા લઈ ગયો હતો.
જ્યાંથી બસમાં અમદાવાદ જતાં હતાં ત્યારે બસમાં તેની સાથે અડપલા કર્યા હતાં જેથી કુવાડવા રોડ પોલીસે સગીરાના માતાની ફરિયાદ પરથી આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી પીએસઆઈ ભગોરા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.