બોટાદમાં સગીરાને ગેસ્ટહાઉસમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચયુર્ં
જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીંયા એક 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આ મામલે આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. જેમાં તેની સામે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની જો વિગતવાર વાત કરીએ તો 17 વર્ષીય સગીરાને જીગ્નેશ હરી સાગઠીયા નામનો શખ્સ છેલ્લા કેટલાક દિવસોથી હેરાન કરતો હતો. જ્યારે સગીરા અભ્યાસ માટે જાય ત્યારે તેને હેરાન કરતો હતો. સાથે જ આરોપી સગીરાને ફોન પર ધાકધમકી પણ આપતો હતો. ગત 10 નવેમ્બરના રોજ આરોપીએ સગીરાને ધમકી આપીને મળવા માટે બોલાવી હતી.
સગીરા જ્યારે મળવા આવી તે તેને શહેરના ટાવર રોડ પર આવેલ એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો અને તેણે ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ સમગ્ર મામલે પછી સગીરાએ તેના પરિવારને જાણ કરી ત્યારે સગીરાના પિતાએ આરોપીની સામે ફરિયાદ નોંધાવી જેથી પોલીસે આ મામલે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસને જ્યારે ફરિયાદ મળી ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બોટાદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે હાલ પોલીસે આરોપીનો મેડિકલ રિપોર્ટ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.