વીરપુરમાંથી ખનીજચોરીનું કૌભાંડ ઝડપાયું
ખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
ગુજરાત રાજ્યના પોલીસ વડાએ થોડા દિવસો પહેલા તાજેતરમાં જ તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂૂ-જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચૌરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ આપવામાં આવ્યો, આ પ્રકારના તત્વો સામે કડક કાર્યવાહી કરાશે, પાસા અને તડીપાર જેવી અસરકારક કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી પરંતુ યાત્રાધામ વિરપુર પંથકમાંતો ખનીજ ચોરો ગુજરાત પોલીસ વડાનાં આદેશને ખુલ્લેઆમ પડકાર કરી રહ્યા હોય તેવું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા કેટલાય સમયથી રાજકોટ જેતપુર સિક્સલેન હાઇવેનું કામ ચાલુ છે,નેશનલ હાઈવેને ફોરલેન માંથી સિક્સલેન બનાવવા માટે રોડ કામમાં ભરતી ભરવા માટે અનેક જગ્યાએથી માટી ઉપાડવામાં આવે છે,પરંતુ યાત્રાધામ વીરપુર પાસે આ સિક્સલેન માટે માટી ઉપાડવા માટે મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે,વીરપુર તેમજ આજુબાજુના ગામની સીમ માથી રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે,ખાનગી કંપનીએ આ રોડ માટે માટી ઉપાડવાનું કામ રાખવામાં આવ્યું છે, જ્યારે આ કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરકાયદેસર વિરપુર સિમ વિસ્તારોમાં કુદરતી નદીઓ અને ડુંગરા તેમજ અન્ય કોઈ ધાર માંથી ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા છે,ત્યારે જાગૃત નાગરિકો દ્રારા આ ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવીને પ્રકૃતિને નુકશાન ન થાય એ માટે ખનીજ વિભાગ અને તંત્ર દ્વારા આ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.
આ બાબતે વિરપુર ગામના તલાટી મંત્રી ધર્મેશ ચાવડાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે વિરપુર ગ્રામપંચાયત માં આ બાબતે કોઈ પણ પ્રકારનો ઠરાવ કે મંજૂરી આપવામાં નથી આવી,એ લોકો દ્વારા બારોબાર ખનીજ ચોરી કરવામાં આવે છે,આ ખનીજ ચોરી અંગે અમે મામલતદારને જાણ કરશું અને આગળની કાર્યવાહી કરસુ.
આ બાબતે જેતપુર ગ્રામ્ય મામલતદાર ભેંસણીયાને પૂછતા તેમણે જણાવ્યું કે અમને કોઈ લેખિત અરજી આપે તો અમે કાર્યવાહી કરસુ તેવો જવાબ આપી પોતાની જવાબદારી માંથી હાથ ઉંચા કર્યા હતા.ત્યારે સવાલ એ થાય કે જેતપુર મામલતદાર પણ કોઈ લેખિત અરજી કરશે તો જ કાર્યવાહી કરશું તેવું જણાવતાં સવાલો એ થાય છે કે શુ જેતપુર ગ્રામ્ય મામલતદારની પણ આ ખનીજ ચોરીમાં મિલિભગત છે !?