ચોટીલા-થાનના ખનીજ માફિયાઓને રૂા.50.60 કરોડનો દંડ ફટકારાયો
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ બદલ કડક કાર્યવાહી કરી છે. તેમણે ખનિજ માફિયા વિઠ્ઠલ જાગા (રહે. જામવાળી)ને રૂૂ. 50,60,79, 160નો દંડ ભરવાની નોટિસ ફટકારી છે.મુળી તાલુકાના ખાખરાળા ગામના સરવે નંબર 309માં વિઠ્ઠલ જાગાએ અનધિકૃત રીતે 28 કાર્બોસેલના કુવા ખોદ્યા હતા. આ કુવાઓમાંથી સેન્ડ સ્ટોન અને ફાયર ક્લેનું ગેરકાયદે ખનન, વહન, સંગ્રહ અને વેચાણ કર્યું હતું.
ગુજરાત મિનરલ નિયમો, 2017ના નિયમ 21(3) હેઠળ આ દંડની નોટિસ આપવામાં આવી છે.આ અંગે ચોટીલા પ્રાંત કલેક્ટર એચ.ટી.મકવાણાએ જણાવ્યું કે, આ કેસમાં દંડની રકમ ભરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એ સમયગાળામાં રકમ ભરપાઈ ન થાય તો એની મિલ્કત લેન્ડ રેવન્યુ કોડની વિવિધ કલમો હેઠળ ટાંચમા લઇ એની જાહેર હરાજી કરી વસૂલવા સહીતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તાજેતરમાં આ જ સ્થળે એક દુર્ઘટના પણ સર્જાઈ હતી.
ગેરકાયદે ખોદાયેલા કાર્બોસેલના કુવામાં એક વ્યક્તિ લોડર સાથે પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. બે દિવસ પહેલા જ થાનગઢના જામવાડીમાં વન વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. જંગલની જમીન પર થયેલા રૂૂ. 12 કરોડના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ફોરેસ્ટ લેન્ડ સર્વે નંબર 64, 65/1, 65/2 અને 66માં કુલ 11 હેક્ટર વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરાયા હતા. આ કાર્યવાહીમાં એક મોટી હોટલ, સાત દુકાનો, એક રહેણાંક મકાન અને પાર્કિંગ સુવિધાઓ તોડી પાડવામાં આવી હતી. નાયબ વનસંરક્ષક તુષાર પટેલ, ડીએસપી વિશાલ રબારી અને નાયબ કલેકટર હરેશ મકવાણાના નેતૃત્વમાં વન, મહેસૂલ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે આ કામગીરી કરી હતી.