જામજોધપુરના બગસરામાં પરપ્રાંતીય યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યા
જામજોધપુર તાલુકાના બગસરા ગામની સીમ વિસ્તારમાં રવિવારે સાંજે બે દિવસ પહેલાની જૂની અદાવતનું મનદુ:ખ રાખીને પરપ્રાંતિય શ્રમિક યુવાન પર 4 થી 5 શખ્સોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી છે. જેને લઈને ભારે ચકચાર જાગી છે. આ બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનની ટુકડી દોડતી થઈ છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ભંડારા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમ વિસ્તારમાં કરમશીભાઈ દામજીભાઈ અજુડીયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મનીષ ગિલદાર નરગાવે નામના 33 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાન પર ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવાઈ હતી.મૃતક યુવાનને બે દિવસ પહેલા પોતાના ગામના જ ચારથી પાંચ જેટલા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી, જેનું મનદુ:ખ રાખીને તિક્ષણ હથિયાર વડે શ્રમિક યુવાન પર હુમલો કરી દેવાતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.જે બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બગધરા ગામે દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને લઈને જામજોધપુર પંથકમાં ભારે ચકચાર જાગી છે.