જસદણના ગોડલાધાર ગામે થયેલી મારામારીમાં ઘવાયેલા આધેડનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયો
હલણના પ્રશ્ર્ને હુમલાના બે માસ બાદ ફરી તબિયત લથડતા હોસ્પિટલમાં દમ તોડયો
જસદણના ગોડલાધાર ગામે બે માસ પુર્વે વાડીના હલણ મુદે કૌટુંબીક પરીવાર વચ્ચે થયેલી મારામારીમા ઘવાયેલા આધેડે રાજકોટ હોસ્પીટલમા સારવાર દરમ્યાન દમ તોડી દેતા બનાવ હત્યામા પલ્ટાયો હતો . આધેડનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાનાં ગોડલાધાર ગામે રહેતા કાળુભાઇ વશરામભાઇ પરમાર નામનાં પ0 વર્ષનાં આધેડ સવારનાં દસેક વાગ્યાનાં અરસામા પોતાની વાડીએ હતા ત્યારે દેહુર દીલાભાઇ પરમાર અને રાહુલ ઉર્ફે મંગળુ દેવુ ભાઇ પરમાર નામનાં બંને શખ્સોએ તીક્ષ્ણ હથીયાર વડે માર માર્યો હતો હુમલામા ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે જસદણ ખાનગી , સિવીલ હોસ્પીટલ બાદ ખાનગી હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા જયાથી તેમને રજા મળતા ઘરે લઇ જવામા આવ્યા હતા.
ગઇકાલે ફરી તબીયત લથડતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવતા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમીક પુછપરછમા મૃતક આધેડ ત્રણ ભાઇ ત્રણ બહેનમા નાના હતા . અને તેમને સંતાનમા ત્રણ પુત્રી અને બે પુત્ર છે વાડીનાં હલાણ મુદે ચાલતી અદાવતમા આધેડ પર પિતા - પુત્રએ હુમલો કર્યો હતો. જેમા ગંભીર રીતે ઘવાયેલા આધેડે બે માસ બાદ દમ તોડયો હતો જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે જસદણ પોલીસે હુમલાખોર બંને પિતા - પુત્ર વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. પરંતુ આધેડને બે માસ બાદ હોસ્પીટલનાં બીછાને દમ તોડતા પોલીસે આધેડનાં મોતનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. અને જો આધેડનુ હુમલામા ઘવાતા મોત નીપજયુ હોવાનુ સામે આવશે તો હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે.