રાજકોટમાં બસમાંથી નીચે ઉતરતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોત
સાયલાથી પુત્રીને દિવાળીના તહેવાર માટે તેડવા આવતા પિતાને કાળ ખેંચી ગયો
સાયલા તાલુકાના વાટાવસ ગામે રહેતા આધેડ રાજકોટમાં રહેતી પુત્રીને દિવાળીનો તહેવાર કરવા માટે તેડવા આવતાં હતાં ત્યારે રાજકોટમાં કુવાડવા પોલીસ સ્ટેશન પાસે બસમાંથી નીચે ઉતરતી વખતે આધેડને અજાણ્યા વાહન ચાલકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાયલાના વાટાવસ ગામે રહેતા ખોડાભાઈ ભીખાભાઈ ગણનીયા (ઉ.50) ગઈકાલે બપોરના અરસામાં એસ.ટી.બસમાં બેસી રાજકોટ આવતાં હતાં ત્યારે કુવાડવા રોડ પોલીસ ચોકી પાસે ખોડાભાઈ બસમાંથી નીચે ઉતરતાં હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આધેડનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક આધેડને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સોનલબેન રાજકોટમાં રહે છે અને પુત્રીને દિવાળીના તહેવાર કરવા માટે તેડવા આવતાં હતાં ત્યારે ખોડાભાઈ બસમાંથી નીચે ઉતરતાની સાથે જ અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતાં મોત નિપજ્યું હોવાનો મૃતક આધેડના સાઢુભાઈએ આક્ષેપ કર્યો છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.