થાનગઢમાં માનસિક બિમાર પતિના હાથે પત્નીની હત્યા
આધેડે લાકડીના ફટકા ઝીંકી ઢીમ ઢાળી દીધુ, હત્યા બાદ પોતે જ પોલીસમાં હાજર થયોગુજરાત મિરર,
થાનગઢના સોનગઢમાં માનસિક બીમાર પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. આધેડે લાકડીના ફટકા ઝીંકી પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. જે બાદ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગુનાની કબૂલાત કરી હતી.
બનાવ અંગે મળતી માહિતી મુજબ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસની છે. માનસિક બીમારીથી પીડાતા બહાદુરભાઈ ટપુભાઈ જળુએ તેમની પત્ની મનસાબેનની લાકડી વડે હત્યા કરી નાખી છે. આરોપી બહાદુરભાઈ પોતે જ થાનગઢ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસે તરત જ પરિવારનો સંપર્ક કર્યો હતો.
મૃતક મનસાબેનના પુત્ર વિજય જળુએ જણાવ્યું કે, તેમના પિતા છેલ્લા 30 વર્ષથી માનસિક બીમારીની સારવાર લઈ રહ્યા છે. તેમણે મનસાબેનના જમણા કપાળના ભાગે લાકડી વડે હુમલો કર્યો હતો.
પરિવારજનોએ મનસાબેનને તાત્કાલિક થાનગઢ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. થાનગઢ પોલીસ મથકના ઙઈં વી.કે.ખાંટના નેતૃત્વમાં આ કેસની તપાસ ચાલી રહી છે. પરિવારે આરોપી બહાદુરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સોનગઢ ગામે એક અસ્થિર મગજના આધેડ કે જેઓ પાછલા ઘણા સમયથી દવાઓ લઇ રહ્યાં છે, એમના મગજમાં કોઈ વાત આવી જતા એમણે પોતાની પત્નીને લાકડી વડે ફટકારી મોતને ઘાટ ઉતારી હતી. હાલ થાનગઢ પોલીસ દ્વારા આધેડની અટક કરી વૃદ્ધાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હત્યા અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક અસ્થિરતાના કારણે જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે.