રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ટોળકીનો સભ્ય પકડાયો
રાજકોટ જિલ્લામાં આતંક મચાવનાર તસ્કર ટોળકીના સભ્યને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લઈ રાજકોટ જિલ્લાની સાત ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. આ ટોળકીએ અગાઉ રાજકોટ ઉપરાંત ભાવનગર, અમરેલી, બોટાદ, ઉમરાળા અને લાઠીમાં પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ નામચીન તસ્કર ટળકીના એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ચારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી તરખાટ મચાવનાર તસ્કર ટોળકીના એક સભ્યને ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમે ગોંડલમાંથી ઝડપી લીધો હતો. મુળ ભાવનગર જિલ્લાના વલભી પુર તાલુકાના જાડિયા ગામનો ભરત ઉર્ફે પથુ મનસુખ જસમત વાઘેલાની ધરપકડ કરી પુછપરછ કરતા ભરતે તેનો ભાઈ ભયલુ મનુ જસમત વાઘેલા ઉપરાંત ઉમરાળાના સંજય હરેશ પરમાર, મુકેશ રમેશ સોલંકી અને ગોંડલના રણજીત ધીરુ સોલંકી સાથે મળી રાજકોટ જિલ્લામાં સાત ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. જેમાં ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે એક મકાનમાંથી રૂા. 1.53 લાખ, લોધીકાના થોરડી ગામે મકાનમાં સાંણથલી વેરાવળમાં મકાનમાં હાથફેરો કર્યો હોવાનું તેમજ રામોદ પાસે મોટા માંડવા જેતપુરના લુણાગરી, ધોરાજીના મોટી પરબડી અને ગોંડલ પાસેના વેજા ગામમાં ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. ગ્રામ્ય એલસીબીએ રૂા. 35 હજારના મુદ્દામાલ સાથે ભરતની ધરપકડ કરી અન્યની શોધખોળ શરૂ કરી છે. આ ટોળકી દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ફરી રેકી કરી બાદમાં બંધ મકાનને નિશાન બનાવતી હતી. આ ટોળકીએ અગાઉ રાજકોટ, ભાવનગર, પંથકમાં અલગ અલગ ગુનામાં 27થી વધુ ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. પુછપરછમાં હજુ વધુ ચોરીના ભેદ ખુલશે.
રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, ડીઆઈજી જયપાલસિંહ રાઠૌડની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સાથે સ્ટાફના બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, વકારભાઈ આરબ, રોહિતભાઈ બકોત્રા, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશભાઈ બાવળિયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.