સિવિલમાં અકસ્માતગ્રસ્ત દર્દીના ખિસ્સામાંથી ગાંજો મળ્યો!
રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઈને કોઈ બાબતને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હવે સિવિલમાં દાખલ દર્દી પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. રાજસ્થાનના જોધપુરમાં થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બંગાળી યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે દર્દીના ખિસ્સામાંથી ગાંજાનું પેકેટ મળી આવ્યું હતું. જો કે, સિક્યુરીટી સહિત કોઈ સ્ટાફ ફરિયાદ કરવા આગળ ન આવતા મામલો ચકરાવે ચડ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ બંગાળના અને સોની કામ કરતા યુવાનને રાજસ્થાનના જોધપુરમાં અકસ્માત નડ્યો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થતાં તેના સબંધી રાજકોટમાં કોઠારિયા રોડ પર રહેતા હોય જેથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને પીએમજેવાય બિલ્ડીંગના પ્રથમ માળે દાખલ કરવામાં આવ્યો હતો.
દરમિયાન આજે સવારે ફરજ પર હાજર સિસ્ટરને દર્દીના ખિસ્સામાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો હોવાની જાણ થતાં તેણે ઈન્ચાર્જ સિસ્ટરને જાણ કરી હતી જેથી સિસ્ટર દ્વારા સિક્યુરીટીને જાણ કરી હતી. જેથી એક્સ આર્મીમેને દોડી જઈ તલાશી લેતા દર્દીના ખિસ્સામાંથી ગાંજાનું પેકેટ મળી આવતા સિક્યુરીટી દ્વારા માદક પદાર્થ કબ્જે કરાયો હતો.
જો કે, માદક પદાર્થ પકડાયા અંગે ફરિયાદ કરવા કોઈ તૈયાર ન હોવાથી સવારથી મામલો ચકરાવે ચડ્યો હતો. દર્દી પાસેથી ગાંજો મળવા બાબતે સિવિલના અધિકારીઓને પણ જાણ કરાઈ ન હોવાથી તેઓ અજાણ હતાં ત્યારે સિક્યુરીટી દ્વારા ફરિયાદ ન કરવા બાબતનો હેતુ શું? તેવા સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે ફરિયાદ કરાશેકે નહીં? તે જોવાનું રહ્યું.