પોરબંદરમાં મહિયારી ગામેથી ગાંજાનું વાવતેર ઝડપાયું, મકાન માલિકની ધરપકડ
પોરબંદર જિલ્લાના મહિયારી ગામમાં પોલીસે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. જીન પ્લોટ વિસ્તારમાં કરાયેલી રેઇડ દરમિયાન, મહિયારીના રામ સુકાભાઈ પરમારને પાંચ કિલો લીલા ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીના મકાનના ફળિયામાં તપાસ કરવામાં આવી હતી. આ મકાન તળાવની પાળ પાસે આવેલું છે. ત્યાંથી 8 ફૂટ 5 ઇંચ ઊંચાઈનો એક લીલો ગાંજાનો છોડ મળી આવ્યો હતો, જેનું વજન પાંચ કિલો નોંધાયું હતું.
ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂૂ. 2,50,000/- અંદાજવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી રામ સુકાભાઈ પરમારની તાત્કાલિક ધરપકડ કરી હતી.
આ મામલે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિયારી ગામમાં લાંબા સમયથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની શંકાને પગલે પોલીસે વિસ્તારમાં સઘન ચેકિંગ અને દેખરેખ વધારવાની કાર્યવાહી શરૂૂ કરી છે.