ભુજમાં પૈસાની ઉઘરાણીમાં હત્યાનો પ્રયાસ કરનાર રાજકોટથી ઝડપાયો
ભુજ એસઓજીની ટીમે રૈયા રોડ પરથી આરોપીને પકડયો : હજુ એકની શોધખોળ
ભુજમાં પૈસાની ઉઘરાણી મામલે થયેલા જીવલેણ હુમલા કેસમાં એસઓજીએ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. એસઓજીની ટીમે રાજકોટના રૈયા રોડ પરથી આરોપી ભાવેશગીરી રેવાગીરી ગૌસ્વામીને ઝડપી લીધો છે. આરોપી સુખપર, ભુજનો રહેવાસી છે.
આ કેસમાં અગાઉ બે આરોપીઓને એલસીબીએ રાજસ્થાનથી પકડી લીધા હતા. હજુ એક આરોપી ફરાર છે. આ કેસમાં જ્યુબિલી સર્કલ ખાતે બે યુવકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. એસઓજીના એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં ભુજ શહેર ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.227/2025 હેઠળ ગુનો નોંધાયેલો છે. આ કામગીરીમાં એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.ડી.જાડેજા, એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, પોહેકો રઝાકભાઈ સોતા અને ડ્રાઇવર પોહેકો મહિપતસિંહ સોલંકી જોડાયેલા હતા.