સામાકાંઠે હત્યાના ગુનામાં સંડોવાયેલ શખ્સ 287 બોટલ દારૂ સાથે ઝડપાયો
ક્રાઈમ બ્રાંચનો બાતમીના આધારે દરોડો, ઈમીટેશનનો વેપાર કરતો શખ્સ મુંબઈથી દારૂ લાવ્યાનું ખુલ્યું
શહેરના સામાકાંઠે ગઢીયા નગરમાં ઈમીટેશનનો વેપારી અને અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલ નામચીન શખ્સના ઘરે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી રૂા.81000નો 287 બોટલ દારૂ ઝડપી પાડયો હતો. આ દારૂનો જથ્થો તે મુંબઈથી લાવ્યો હોવાનું કબુલ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આ મામલે વધુ પુછપરછ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાંચના એએસઆઈ અમીતભાઈ અગ્રાવત, દિલીપભાઈ બોરીચા અને વિશાલભાઈ દવેને બાતમી મળી હતી કે શહેરનાં સંતકબીર રોડ પર ગઢીયાનગર શેરી નં.1માં રહેતા ચિરાગ મીઠાભાઈ લીંબાસીયાના ઘરે દારૂનો જથ્થો છુપાવ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમે દરોડો પાડયો હતો. ઈમીટેશનના વેપારી ચિરાગ મીઠાભાઈ લીંબાસીયાના ઘરેથી રૂા.81376ની કિંમતની 287 બોટલ દારૂ મળી આવ્યો હતો.
ક્રાઈમ બ્રાંચે આ મામલે ચિરાગની પુછપરછ કરતાં તે મુંબઈથી આ દારૂનો જથ્થો વેચવા માટે લાવ્યો હતો. ચિરાગ અગાઉ પણ હત્યાના ગુનામાં તેમજ હથિયારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. આ મામલે તેની રિમાન્ડ ઉપર વિશેષ પુછપરછ કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ. આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, સાથે પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમના દિગ્પાલસિંહ જાડેજા, સંજયભાઈ રૂપાપરા, દિપકભાઈ ચૌહાણ, દિલીપભાઈ બોરીચા, રાજેશભાઈ જડુ, પ્રદીપસિંહ જાડેજા, જયરાજ ભાઈ કોટીલા અને કોન્સ્ટેબલ ત્રિપદાબેન ભટ્ટ સહિતનાએ કામગીરી કરી હતી.