થાનગઢમાં 500ના દરની 97 નકલી નોટો બજારમાં વટાવવા જતા શખ્સ ઝડપાયો
થાનગઢ પોલીસે બાતમીના આધારે અમરાપર, કપુરવાવના આશિષભાઈ રાજુભાઈ મોરીને નકલી નોટો સાથે પકડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખાખરાળી ચોકડી પાસેથી શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યો હતો.
આરોપીની પૂછપરછમાં તેની પાસેથી મળેલી નોટોની ચકાસણી માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની થાનગઢ શાખામાં મોકલવામાં આવી હતી. બેંક મેનેજરે મશીનથી ચકાસણી કરીને નોટો નકલી હોવાનું જાહેર કર્યું હતું.21 વર્ષીય આરોપી આશિષભાઈ મોરીએ પોલીસને જણાવ્યું કે આ નોટો તેને ખાખરાળીના અજયભાઈ ઉઘરેજીયા પાસેથી મળી હતી. અજયભાઈએ તેને 500ના દરની 100 નકલી નોટો આપી હતી, જેમાંથી તેણે 3 નોટો અલગ-અલગ જગ્યાએ વટાવી હતી.
એફએસએલ અધિકારી અભિજીતસિંહ પઢીયારે પણ નોટોની ચકાસણી કરીને તેને નકલી હોવાનું પુષ્ટિ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 500ના દરની 97 નકલી નોટો અને 10,000 રૂૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.