વીંછિયાના પીપરડીમાં બાઈકચાલકને આંતરી 1.50 લાખની માગણી કરી શખ્સ છરીથી તૂટી પડ્યો
વિછિયા તાલુકાના પીપરડી ગામે રહેતો યુવાન બાઈક લઈને ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક શખ્સે યુવકને આંતરી રૂા. 1.50 લાખની માંગ કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોર શખ્સે અગાઉ પણ 50 હજાર પડાવી લીધા હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછિયા તાલુકાના પીપરડી ગામે રહેતો સંજય કનુભાઈ કાગડિયા નામનો 22 વર્ષનો યુવાન સાંજના સાત વાગ્યાના અરસામાં પીપરડી ગામની મેઈન બજારમાં પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે અનિરુદ્ધ રજપૂત નામના શખ્સે સંજય કાગડિયાને રોકી પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર અનિરુદ્ધ રજપૂતે બાઈક ચાલક સંજય કાગડિયાને રોકી તેની પાસેથી 1.50 લાખની માંગણી કરી હતી. સંજય કાગડિયાએ રૂપિયા નહીં આપતા હુમલો કર્યો હોવાનો અને અગાઉ પણ અનિરુદ્ધ રજપુતે રૂા. 50 હજાર પડાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે વિછિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.