ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ
જામનગર શહેરમાંથી બિલ આધાર વગરના અને નંબર પ્લેટ વીનાના એક ચોરાઉ મનાતા બાઇક સાથે મૂળ ખંભાળિયાના વતની એક શખ્સને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગર શહેરમાં દિગજામ સર્કલ, સોનલનગર તરફ જતા રોડ ઉપર એલસીબી ની ટુકડી દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક નંબર પ્લેટ વગરના બાઈક સાથે એક શખ્સ નીકળતાં પોલીસ ટુકડીએ તેને અટકાવીને પૂછપરછ કરી હતી.
જે દરમિયાન તેણે પોતાનું નામ ગુમાનસિંહ રામસંગજી જાડેજા રહે. પુનીતનગર, શેરી નંબર-3 જામનગર અને મુળ- ખંભાળિયા તાલુકાના ઉગમણાંબારા ગામનો વાતની હોવાનું જણાવ્યું હતું.
જ્યારે પોતાની પાસે રહેલા નંબર પ્લેટ વગરના બાઈકના કાગળો રજૂ કરી શક્યો ન હતો. ઉપરાંત તેના બિલ આધાર અંગે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી એલસીબી ની ટીમ દ્વારા તેની અટકાયત કરી લઈ નંબર પ્લેટ વગરનું બાઈક કબજે કરી લેવાયું છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી છે.