ભૂકંપ માપવાના યંત્રની ચોરી કરનાર મનહરપુરના ભંગારની ફેરી કરતો શખ્સ ઝડપાયો
યંત્રની ચોરી કર્યા બાદ મશીન તોડી તેમાંથી નીકળેલ કોપર ભંગારમાં વેચી દીધુ હતુ
શહેરમાં ઈશ્વરીયા પાર્ક ખાતે આવેલ ભૂકંપ સંશોધન કેન્દ્ર ખાતેથી ભૂકંપ માપવાના યંત્રની ચોરીનો બનાવ સામે આવ્યો છે.આ મામલામાં ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી મનહરપુર-1 ગામમાં રહેતા ભંગારની ફેરી કરતા શખસને ઝડપી લીધો હતો. આ શખસે મશીન તોડી તેમાંથી કોપર કાઢી ભંગારમાં વેચી દીધું હતું.
મહેસાણાના વિસનગરમાં રહેતા બિહારીભાઈ રતીલાલ દરજી (ઉ.વ.53)એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મહેસાણાની આર્મ મેનેજમેન્ટ સર્વિસમાં ટેકનિકલ આસિસટન્ટ તરીકે નોકરી કરે છે.તે એજન્સીને ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ-ગાંધીનગરએ કોન્ટ્રાકટ આપ્યો છે.
ગઇ તા.04/03/2025ના રોજ તે તથા તેમની ટીમ રાજકોટ ખાતે ઇશ્વરીયા પાર્કમાં આવેલ ભૂકંપ સંશોધન કેન્દ્ર ખાતે નવા સાધનો લગાડવાના હોય જેથી ત્યાં ગયેલ હતા. નવા સાધનો લગાડી જુના સાધનો ત્યાં જ રાખીને બે કલાકમાં ત્યાથી નિકળી ગયેલ હતા. આ ભુકંપ સંધોશન કેન્દ્ર ખાતે સિક્યોરીટી ગાર્ડ પણ રાખેલ છે. ત્યારબાદ તા.05/05/2025 ના રોજ તે તથા દિલીપસિંહ કુશવાહ સાંજના સાતેક વાગ્યે ડેટા લેવા માટે તથા નિરીક્ષણ કરવા માટે રાજકોટમાં આવેલ ભૂકંપ સંશોધન કેન્દ્ર ખાતે આવ્યા હતા. જ્યાં નિરીક્ષણ કરતા ધ્યાને આવેલ કે અગાઉ જે જુના સાધનો મુકી ગયેલ હતા તેમાંથી એસએમએ(સ્ટ્રોંગ મોશન એક્સલેરેશન) મશીન જેની કિંમત રૂૂ. 11,461 મળી આવ્યું ન હતું.જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એસ. મકરાણી તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ, મસરીભાઈ ભેટારીયા, કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અને મુકેશફભાઈને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં જામનગર રોડ પર મનહરપુર-1 ગામમાં રહેતા રણજીત અરજણભાઈ જાખેલીયાને ઝડપી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું કે, આરોપી એકટિવા લઇ ભંગારની ફેરી કરતો હોય આ દરમિયાન તે રેકી પણ કરી લેતો હતો.
અહીં ભૂકંપ સંશોધન કેન્દ્ર પાસેથી પસાર થતાં તક મળતા તેણે અહીંથી ભૂકંપ માપવાનું સિસ્મોગ્રાફર મશીન ચોરી કરી લીધું હતું. ચોરી કર્યા બાદ આ મશીન તોડી તેમાંથી કોપર કાઢી આ કોપર ભંગારમાં વેચી નાખ્યું હતું. આરોપી સામે અગાઉ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં વાહન ચોરી અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. આ શખસે આ પ્રકારે અન્ય કોઈ સ્થળે ચોરીના બનાવને અંજામ આપ્યો છે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.