રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી : એરપોર્ટના બગીચા પાસેથી શખ્સને ઝડપી લેવાયો
રાજકોટ શહેરમા દેશી અને વિદેશી દારૂની હેરાફેરીઓ પર પોલીસ દ્વારા વોચ ગોઠવવામા આવી છે. ત્યારે ગઇકાલે ડીસીપી ઝોન ર ની એલસીબીની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન જુના એરપોર્ટના બગીચા પાસે રીક્ષામા દારૂ લઇને જઇ રહેલા પડધરીના ખંભાળાના શખ્સે પ0 લીટર દેશી દારૂ અને રીક્ષા સહીત 80 હજારના મુદામાલ સાથે ઝડપી લેવામા આવ્યો હતો.
વધુ વિગતો મુજબ એલસીબી ઝોન ર ના પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહેલ, કુલદિપસિંહ રાણા અને હેમેન્દ્રભાઇ વાઢીયા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે બાતમીના આધારે જુના એરપોર્ટના બગીચા પાસેથી પડધરીના ખંભાળામા રહેતો નરેશ પોપટ પરમાર (ઉ.વ. 37) ને અટકાવી રીક્ષાની તલાસી લેતા રીક્ષામા પાછળની સીટ પર રહેલા બે થેલા ચકાસતા તેમાથી પ0 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો અને પોતે રાજકોટના કોઇ શખ્સ પાસેથી લઇને જતો હોવાનુ પોલીસ સમક્ષ રટણ કર્યુ હતુ. આ મામલે પોલીસે 80 હજારનો મુદામાલ જપ્ત કરી તપાસ જારી રાખી છે.