ગોવાથી કારના ચોરખાનામાં 258 બોટલ દારૂ ભરીને આવેલ શખ્સની ધરપકડ
ગોંડલ રોડ ચોકડી પાસે પીસીબીની ટીમનો દરોડો, 5.59 લાખનો મુદ્દામાલ કબજે
શહેરના ગોંડલરોડ ચોકડીએ પીસીબીની ટીમે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. ગોવાથી કારમાં ચોરખાનું બનાવીને દારૂનો જથ્થો છુપાવી રાજકોટ લાવનાર સુખસાગર સોસાયટીના શખ્સની ધરપકડ કરી પીસીબીએ રૂા. 5.59 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગોવાથી દારૂ ભરીને એક કાર રાજકોટ આવતી હોવાની બાતમી પીસીબીના એએસઆઈ મયુરભાઈ, નગીનભાઈ અને હિરેનભાઈ સોલંકીને મળતા ગોંડલરોડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બ્રેઝા કાર નં. જીજે 27 બીએલ 5117 શંકાસ્પદ હાલતમાં અટકાવી હતી. કારના ચાલક 150 ફૂટ રીંગ રોડ ઉપર સુખસાગર સોસાયટીમાં રહેતા નિરવ કિશોર મોટેરિયાની પુછપરછ કરતા તેણે ગલ્લા-તલ્લા શરૂ કર્યાહતાં. જે દરમિયાન પોલીસે કારની તલાશી લેતા તેમાં ચોરખાનું બનાવી છુપાવેલ 258 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પીસીબીએ કાર સહિત રૂા. 5.59 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયા તથા પીએસઆઈ એમ.જે. હુણ અને પીએસઆઈ પી.બી. ત્રાજિયાની ટીમના કિરતસિંહ, કરણભાઈ, ઘનશ્યામસિંહ, વિરેન્દ્રસિંહ, હરદેવસિંહ, કુલદિપસિંહ, દેવરાજભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.