અલખધણી આશ્રમમાં ચિંકારા-હરણના શિંગડા સહિતના અવશેષો રાખવાના કેસમાં મહંતને 3 વર્ષની જેલ
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાના કેસમાં ધરપકડ કરી જેલ હવાલે કર્યા’તા
રાજકોટની ભાગોળે આવેલ મહિકા અને ભીંચરી વચ્ચેની સીમમાં આવેલ અલખધણી આશ્રમમાં ચિંકારા હરણના શિંગડા સહિતના અવશેષો ઝડપાતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાના કેસમાં અદાલતે આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંહ નાથુસિંહ રાજપૂતને ત્રણ વર્ષની કેદ તેમજ દંડ સહિતનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના વન વિભાગને મળેલી બાતમીને આધારે રાજકોટની ભાગોળે ભાવનગર રોડ નજીક આવેલા મહીકાથી ભીંચરી જવાના રસ્તે આવેલા અલખધણી આશ્રમમાં તપાસ કરતા ત્યાંથી ચિંકારા હરણના માથાના શીંગડા વાળો ભાગ તેમજ પગની ખરી વગેરે અવશેષો મળી આવતા, આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ચિંકારા હરણ શેડ્યુલ - 1માં આવતું હોવાને કારણે આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંહ નથુસિંઘ રાજપુત સામે વન્ય પ્રાણી સરક્ષણ 1972 અધિનિયમ (સુધારા 2002) હેઠળ ગુનો નોંધી કાળુબાપુની ધોરણસરની કાર્યવાહી કરી હતી.
બાદમાં તપાસના અંતે ચાર્જશીટ મૂકવામાં આવતા આ કેસ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જેમાં સરકાર પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ, રજૂઆતો તેમજ સરકારી વકીલ અમર પરમારની ભારપૂર્વકની દલીલો તેમજ રજૂ કરવામાં આવેલા ચુકાદા ધ્યાને લઇ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ. શુકલે અલખ ધણી આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંગ નથુસિંગ રાજપૂતને વન્ય પ્રાણી સંરક્ષણ 1972 અધિનિયમ (સુધારા 2002)ની કલમ 2 (2), 39 (2), 40 (1), 49 (ક), 50 (1) (ગ), 51 મુજબ દોષિત ઠરાવી ત્રણ વર્ષની કેદ અને રૂૂપિયા 25000 દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની કેદનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મદદની સરકારી વકીલ અમર પરમાર રોકાયા હતા.