માધવ ઓટોલિંક કંપનીના કર્મચારી દ્વારા એક્સિડેન્ટલ વાહનના બનાવટી જોબકાર્ડ બનાવી 9.26 લાખની ઉચાપત
કુવાડવા રોડ પર રણછોડનગરમાં આવેલા ટુ-વ્હિલરના સર્વિસ સ્ટેશનમાં એક્સીડેન્ટલ ડેન્ટલ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતાં સતિશ દિપકભાઈ મકવાણા (રહે. વેલનાથપરા, બેડી ચોકડી પાસે)એ એક્સીડેન્ટલ વાહનના બનાવટી જોબકાર્ડ બનાવી રૂૂા. 9.26 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ શાહનવાઝ હારૂૂનભાઈ સમા (ઉ.વ.37, રહે. મહમદીબાગ સોસાયટી, વાવડી)એ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
શાહનવાઝભાઈએ જણાવ્યું કે આન ગ્રુપની હેડ ઓફિસમાં ફાયનાન્સ મેનેજર તરીકે નોકરી કરે છે. આ ગ્રુપની માધવ ઓટો લિંક પ્રા.લી.નો સુઝુકી કંપનીનો શો-રૂૂમ અને તેનું સર્વિસ સ્ટેશન રણછોડનગરમાં આવેલું છે. કંપનીમાં ઓડીટ કરવામાં આવતા 2023ના ત્રણ અને 2024ના બે જોબકાર્ડ મળી કુલ પાંચ જોબકાર્ડના બીલ બન્યા ન હોવાનું તેમજ એપ્રિલ-2024 થી 2025 સુધી 392 ટુ-વ્હીલરના જોબકાર્ડ અને બીલના હિસાબની એન્ટ્રીમાં તફાવત હોવાનું ધ્યાને આવ્યું હતું.
જેથી આ બાબતે જે તે સમયે વર્કશોપના મેનેજરે પોલીસમાં અરજી કરી હતી. બીજી તરફ એકાઉન્ટન્ટ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે વર્કશોપમાં નોકરી કરતાં સતીશ મકવાણા છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતો હોય 2023થી તેને વર્કશોપના એક્સીડેન્ટલ ઈન્ચાર્જ તરીકે બઢતી મળતાં તે નોકરી કરતા હતાં.તેની ફરજ વર્કશોપમાં આવતા ટુ-વ્હીલર વાહનોના એક્સીડેન્ટલ ક્લેઈમ કે રિપેરીંગ મુજબ જોબકાર્ડ બનાવી વીમા કંપનીમાંથી એપ્રુવલ મેળવવાનું તેમજ વાહનોનું રિપેરિંગ કામકાજ કરાવી, બીલ બનાવી, એપ્રુવલ થયેલ રકમ ઉપરાંત બીલની રકમ ગ્રાહક પાસેથી મેળવી કંપનીમાં જમા કરાવી, વાહનની ડીલીવરી આપવાની હતી.
આરોપીએ તેની ફરજ દરમિયાન ગ્રાહકોના વાહનના ખોટા બીલો બનાવી, ઇન્સ્યોરન્સ કંપનીના વીમા દર્શાવી, વીમા કંપની જવાબદાર ન હોય છતાં ઘણાં બીલોમાં તેના નામે એન્ટ્રી કરી, કંપનીમાં બીલોના નાણાં જમા કરાવ્યા નહતાં. આમ બનાવટી પાંચ જોબકાર્ડ બનાવી ઉચાપત કરી હતી.આ ઉપરાંત 385 ગ્રાહકોન કક્લેઈમમાં વીમા કંપનીએ આપેલ એપ્રુવલ રકમ સિવાયની બીલ મુજબ આપવાની થતી રકમ પણ આરોપીએ લઈ પૂરેપૂરી રકમ જમા કરાવી ન હતી.આરોપીને પૂછપરછ કરાતા તેણે સરખો જવાબ નહીં આપી, રાજીનામું આપી, નોકરી છોડી દીધી હતી.આથી આરોપીએ બનાવટી જોબકાર્ડ બનાવી રૂૂા. 9.26 લાખની ઉચાપત કરવા અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.