લોધિડા ગામે કોર્ટ કેસમાં સમાધાન કરવાની ના પાડતા યુવાન ઉપર 6 શખ્સોનો ધોકા-પાઈપથી હુમલો
રાજકોટ તાલુકાના લોધીડા ગામે કોર્ટ કેસમાં સમાધાન કરવાની ના પાડતા યુવાન ઉપર છ શખ્સોએ ધોકા-પાઈપથી હુમલો કરી હાથ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ લોધીડા ગામે રહેતા નીલેશ લાભુભાઈ ચાવડા (ઉ.વ.22)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા જગાભાઈ ખેંગાભાઈ શિયાળ, કાળાભાઈ ખેંગાભાઈ શિયાળ, સાગર કાળાભાઈ શિયાળ, મુળા વિભાભાઈ શિયાળ, રાણા, વિભાભાઈ શિયાળ અને વશરામ ભીખાભાઈ શિયાળના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તે ઘરેથી બાઈક લઈ સરધાર જતો હતો ત્યારે રસ્તામાં તળાવ પાસે ઉભો હતો ત્યારે આરોપીઓએ અગાઉ મારામારીનો કેસ થયેલો હોય જે કેસમાં કોર્ટમાં સમાધાન કરવાનું કહેતા તેઓ સમાધાન કરવાની ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ લાકડી અને પાઈપ વડે હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો. જેથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે આજીડેમ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દારૂ પીવા સાથે આવવાની ના પાડતા રિક્ષાચાલકને ધોકાવ્યો.
કોઠારિયા રોડ પર વિજયનગર શેરી નં. 2માં રહેતો રીક્ષાચાલક કિશોરભાઈ હેમરાજભાઈ અહેમદાવાદી (ઉ.વ.49) ગત રાત્રે સુખરામનગર શેરી નં. 3 માં હતો ત્યારે દેવરાજ ગઢવીએ દારૂ પીવા સાથે આવવાનું કહેતા તેણે ના પાડી હતી જેથી આરોપીએ ધોકા વડે હુમલો કરી માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.