વાંકાનેરમાં વેપારી ઉપર વ્યાજખોરોનો હુમલો: કોલ્ડ્રીંકસની દુકાનમાં તોડફોડ
ત્રણ વર્ષ પહેલા છ ટકાના વ્યાજે લીધેલા 1.50 લાખનું બે મહિનાનું વ્યાજ નહીં ચૂકવી શકતા આતંક મચાવ્યાનો આરોપ
રાજ્યભરમા વ્યાજખોરો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર વ્યાજખોરોના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અને વ્યાજના વરુઓએ આંતક મચાવ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં વાંકાનેરમાં રહેતા વેપારીએ ત્રણ વર્ષ પહેલા વ્યાજે લીધેલા રૂૂપિયા દોઢ લાખનું બે મહિનાનું વરસાદ અને મેળાના કારણે વ્યાજ નહીં ચૂકવી શકતા વ્યાજખોરોએ કોલ્ડ્રીંક્સની દુકાનમાં તોડફોડ કરી વેપારીને માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલ નાઈટ એપલ સોસાયટીમાં રહેતા જયદીપભાઇ જીતેન્દ્રભાઈ જયસ્વાલ નામનો 25 વર્ષનો યુવાન વાંકાનેર મેઇન બજાર ચાવંડી ચોકમાં આવેલ પોતાની રાજેશ કોલ્ડ્રીંક્સ નામની દુકાને હતો ત્યારે મધરાત્રે જયેશ ઓઝા, આકાશ જયેશ અને રૂૂસફ જયેશ સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો અને કાચની બોટલ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતાં વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જયદીપ જયસ્વાલે ત્રણ વર્ષ પહેલા 6 ટકાના દરે રૂૂપિયા દોઢ લાખ ધંધા માટે વ્યાજે લીધા હતા અને દર મહિને રૂૂ.9000 વ્યાજ ચૂકવતો હતો પરંતુ છેલ્લા બે મહિનાથી વરસાદ અને મેળાના કારણે વ્યાજ નહીં ચૂકવી શકતા વ્યાજખોર શખ્સોએ દુકાને ધસી આવી જયદીપ જયસ્વાલ ઉપર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.