કુવાડવા ગામે રેઢી પડેલી થાર કારમાંથી 2.60 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
204 બોટલ દારૂ અને થાર મળી રૂા.12.60 લાખનો મુદ્દામાલ કબજે
કુવાડવા ગામે પીસીબીની ટીમે બાતમીના આધારે રેઢી પડેલી થાર કારમાંથી રૂા.2.60 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે 204 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા.12.60 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, પીસીબીના પીઆઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુંણ, હેડ કોન્સ્ટેબલ કરણ મારૂ, રાહુલ ગૌસ્વામી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન કુવાડવા ગામે વાંકાનેર ચોકડી નજીક વેલ્ડીંગની દુકાન પાસે થાર કાર પડી હોય જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમ તાત્કાલીક દોડી ગઈ હતી. ઘટના સ્થળે કાર રેઢી મળી આવતાં તેની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલ ન.204 કિ.રૂા.2,60,400 મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને થાર મળી કુલ રૂા.12,60,400નો મુદ્દામાલ કબજે કરી કાર નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે.