ચુનારાવાડમાં ઓટોરિક્ષામાંથી 1.36 લાખનો દારૂ ઝડપાયો
પોલીસને જોઇ દારૂ ભરેલી રિક્ષા મૂકી ચાલક ફરાર
શહેરના ચુનારાવાડ વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે 1.36 લાખનો દારૂ ભરેલી ઓટોરિક્ષા ઝડપી લીધી હતી જો કે, પોલીસને જોઇ રિક્ષા ચાલક રિક્ષા મૂકી નાશી છૂટ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી છે. થોરાળા પોલીસ મથકના એએસઆઇ રણજીતસિંહ પઢારીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ચુનારાવાડમાંથી ઓટોરિક્ષામાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે ચુનારાવાડ શેરી નં.2માં વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની રીક્ષા આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા દૂરથી જ રિક્ષા ચાલક પોલીસને જોઇ રિક્ષા રેઢી મૂકી નાશી છૂટ્યો હતો. પોલીસે રિક્ષાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નં.60 કિ.44340 અને દારૂના ચપલા નં.528 કિ.92400 મળી આવતા પોલીસે દારૂ અને રિક્ષા મળી કુલ રૂા.3.11 લાખનો મુદ્દામાલ કબજે કરી નાશી છૂટેલા રિક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
