પુષ્પા સ્ટાઇલથી લાવેલો 2.70 કરોડનો દારૂ ઝડપાયો
સીમેન્ટ ભરેલા ટેન્કરમાં ચાલાકીથી દારૂનો જથ્થો છૂપાવી રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ
ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં, બુટલેગરો રાજ્યમાં દારૂૂ ઘુસાડવા માટે નિતનવા અને અકલ્પનીય કીમિયા અજમાવતા રહે છે. ક્યારેક ફળફળાદીની આડમાં, તો ક્યારેક એમ્બ્યુલન્સમાં, પરંતુ આ વખતે છોટાઉદેપુરમાં દારૂૂ માફિયાઓએ જે રીત અજમાવી, તે જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ એક સિમેન્ટના ટેન્કરમાંથી 2.70 કરોડ રૂૂપિયાનો વિદેશી શરાબનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. આ દારૂૂ એટલી ચાલાકીથી છુપાવ્યો હતો કે પોલીસને ટેન્કર કાપવા માટે ગેસ કટર મશીન બોલાવવું પડ્યું હતું.
છોટાઉદેપુર LCB ને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂૂની એક મોટી ખેપ ઘુસાડવામાં આવી રહી છે. આ વખતે બુટલેગરોએ લુઝ સિમેન્ટ લઈ જતા એક ટેન્કરનો ઉપયોગ કર્યો હતો. બાતમીના આધારે, LCBની ટીમે છોટાઉદેપુરથી પાવીજેતપુર તરફ જતા હાઇવે પર વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન, બાતમી મુજબનું શંકાસ્પદ ટેન્કર આવતા જ પોલીસે તેને અટકાવ્યું હતું.
શરૂૂઆતમાં, ટેન્કર સામાન્ય સિમેન્ટ ભરેલું જ લાગતું હતું. પરંતુ LCB ની ટીમ તેમની બાતમી પર અડગ હતી. જ્યારે ટેન્કરની સઘન તપાસ કરવામાં આવી, ત્યારે જણાયું કે દારૂૂનો જથ્થો સિમેન્ટની નીચે ગુપ્ત રીતે બનાવેલા ખાસ કમ્પાર્ટમેન્ટમાં છુપાવવામાં આવ્યો હતો. આ કમ્પાર્ટમેન્ટ એટલું મજબૂત અને ગુપ્ત હતું કે તેને ખોલવું અશક્ય હતું.
LCB એ ગણતરી કરતાં, આશરે 2.70 કરોડ રૂૂપિયાની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ટેન્કર ચાલક, મહેશ જાટ (રહેવાસી, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. પોલીસે દારૂૂ, ટેન્કર અને અન્ય સામગ્રી મળી કુલ રૂૂ. 2,70,14,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મોટી કાર્યવાહીમાં, પોલીસે મહેશ જાટ સહિત અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. આ દારૂૂનો જથ્થો રાજસ્થાનથી કોણે મોકલ્યો હતો અને ગુજરાતમાં કોને ડિલિવર થવાનો હતો, તે દિશામાં પોલીસે ચાલકની કડક પૂછપરછ શરૂૂ કરી છે. LCBની આ મોટી સફળતાએ બુટલેગરોના આંતરરાજ્ય નેટવર્કને મોટો ફટકો માર્યો છે.
ટેન્કરને કટરથી કાપવુ પડ્યું
પોલીસ અધિકારીઓ સમજી ગયા કે આ જથ્થો બહાર કાઢવા માટે ટેન્કરને કાપવું જ પડશે. તાત્કાલિક ગેસ કટર મંગાવવામાં આવ્યું અને જ્યારે ટેન્કરના પતરાં કાપવામાં આવ્યા, ત્યારે અંદરનો નજારો જોઈ પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ. ટેન્કરની અંદર લુઝ સિમેન્ટની આડમાં વિદેશી દારૂૂની પેટીઓનો ખડકલો હતો.