ગોંડલમાંથી ફરી 15.80 લાખનો દારૂ ઝડપાયો
ગ્રામ્ય એલસીબીના દરોડામાં બે શખ્સોની ધરપકડ, ત્રણની શોધખોળ: ભોજપરા ગામમાં આવેલા ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારનાર અને સપ્લાયર સામે ગુનો નોંધાયો
ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં ગ્રામ્ય એલસીબીએ દરોડોપાડીને રૂા. 15.80 લાખની કિંમતની 2772 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ દારૂ સાથે બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી દારૂ મંગાવનાર એન સપ્લાય કરનાર સહિતનાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગોંડલમાં એલસીબીએ બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મળતી વિગતો મુજબ ગ્રામ્ય એલસીબીના પીઆઈ વીવી ઓડેદરા અને તેમની ટીમે બાતમીના આધારે ગોંડલના ભોજપરા ગામની સીમમાં ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં આવેલ શ્રી જોગમાયા ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. આ ગોડાઉનમાંથી રૂા. 15.80 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 2772 નંગ વિદેશી દારૂ તેમજ બોલેરો સહિત રૂા. 20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ દારૂના જથ્થા સાથે ગોંડલના ગુગંદાળા રોડ ઉપર એસ્ટ્રોન સિનેમા પાસે રહેતા મુળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના શેડવા તાલુકાના વતની કૈલાશ બાબુલાલ ખીચડ અને શેડવા તાલુકાના સોનડી ગામના જલારામ ભીખારામ ખીલેરીની ધરપકડ કરી હતી.
ગોડાઉનમાં દારૂનો જથ્થો કોણે મગાવ્યો અને કોણે સપ્લાય કર્યો તે સહિતની બાબતો ઉપર પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના સાંચોર જિલ્લાના પ્રકાશ ઉર્ફે સત્યા બીશ્ર્નોઈ અને રાજસ્થાનના જાલોર જિલ્લાના દાંતીવાસના નારાયણસિંહ પદમસિંહ તેમજ બોલેરો પીકઅપવાન નં. જીજે 33, ટી 3346ના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, ડીઆઈજી જયપાલસિંહ રાઠૌડની સુચનાને માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સાથે સ્ટાફના બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, રસિકભાઈ જમોડ, મહિપાલસિંહ ચૂડાસમા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.