ભુણાવાના બંધ કારખાનામાંથી 12.52 લાખનો દારૂ ઝડપાયો
ગ્રામ્ય એલસીબીના દરોડા બાદ બે બૂટલેગરોની ધરપકડ: રૂા.17.52 લાખનો મુદ્દામાલ કબજે
ભુણાવાની સીમમાં બંધ કારખાનામાં બુટલેગરોએ છુપાવેલો રૂા.12.52 લાખનો વિદેશી દારૂ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે ઝડપી પડ્યો હતો. આ દારૂનો જથ્થો છુપાવનાર બે બુટલેગરોની ધરપકડ કરી દારૂ સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. એલસીબીએ દારૂ સહિત રૂા.17.52 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો.
ગોંડલ નજીક ભુણાવા ગામની સીમમાં ઉમિયાજી ઇન્ડસ્ટ્રીયલ ઝોન જીઆઇડીસી વિસ્તારમાં બંધ પ્લાસ્ટિક કારખાનામાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે ગ્રામ્ય એલસીબીના પી.આઇ. વી.વી.ઓેડેદરા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બુલેરો પીકપ વાહન જીજે 04 એટી 2497 નંબરની બોલેરોમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત એલસીબીની ટીમે તપાસ કરતા પ્લાસ્ટિકના બંધ કારખાનામાં ઓરડીમાંથી દારૂનો અન્ય જથ્થો પણ મળી આવ્યો હતો. એલસીબીની ટીમે ગણતરી કરતા જુદી-જુદી બ્રાન્ડની રૂા.12.52લાખની કિંમતની 2412 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આ દારૂ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે, ભુણાવા ગામે ઉમિયાજી ઇન્ડ્રસ્ટીઝ ઝોનમાં આવેલા બંધ કારખાનાના તાળા તોડી આ દારૂનો જથ્થો ગોંડલના ભુણાવા ગામના ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી ગજેન્દ્રસિંહ જાડેજા અને ગોંડલના મહાકાળી નગરમાં રહેતા કૌશિક યોગેશ અગ્રવત બુટલેરોએ છુપાવેલ હોવાનું જાણવા મળતા બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
આ દારૂનો જથ્થો ક્યાંયથી લાવયા તે માટે રિમાન્ડ ઉપર પૂછપરછ કરવામાં આવી છે.રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, તથા ડીઆઇજી જયપાલસિંહ રાઠૌડની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.આઇ. વી.વી.ઓડેદરા સાથે પો.પીએસઆઇ તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, ધર્મેશભાઇ બાવળીયા, રસિકભાઇ જમોડ, મહીપાલસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.