ચુનારાવાડ, બોલબાલા માર્ગ, કોઠારિયા અને ગાંધીગ્રામમાં દારૂના દરોડા: મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમાં પીસીબી અને એલસીબીની ટીમો દ્વારા દારૂના દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ચાર દરોડામાં 398 દારૂની બોટલ જપ્ત કરી એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમજ એલસીબી ઝોન-2ની ટીમ દ્વારા જાગનાથ પાસેથી નાળીયર વેંચતા શખ્સને ચાર બોટલ રમ સાથે પકડી લીધો હતો. દારૂનું સપ્લાય કરનાર આરોપીઓને ઝડપી લેવા હાલ પકડાયેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહ્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
મળતી વિગતો મુજબ, પીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ , એ.એસ.આઇ. મયુરભાઇ પલારીયા, સંતોષભાઇ મોરી, કરણભાઇ મારુ, વિજયભાઇ મેતા, વાલજીભાઇ જાડા, રાહુલગીરી ગોસ્વામી સહિતના સ્ટાફે ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં સૌ પ્રથમ ચુનારાવાડ શેરી નં.3માં રહેતા મીનાબેન વિજયભાઇ રાઠોડને જાહેરમાં 26 દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ બીજા દરોડામાં બોલબાલા માર્ગ પર વિરાણી અઘાટ બાલાજી પ્રિન્ટ પાસેથી વિનોદનગર આવાસ યોજનામાં રહેતા ફારુક માજીદભાઇ સાંજીને 192 રૂા.19200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં આ દારૂનો જથ્થો તેમને જગદીશ દલા પરમારએ આપ્યો હોવાનું કહેતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ બીજા દરોડામાં કોઠારીયા ગામમાં આવેલા પાણીના ટાંકા પાસે શેરમાંથી મુળ ચોટીલાના ફુલજર ગામના વતની ભીમા મેરા મીરને અટકાવી તેની કારની તલાશી લેતા તેમાંથી 82 દારૂની બોટલ મળી આવી હતી. તેમની પાસેથી કુલ રૂા.3.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જ્યારે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બી.વી.જાડેજા અને સબીરભાઇ મલેક દ્વારા ગાંધીગ્રામમાં આવેલી ગાંધીનગર શેરી નં.3માંથી અમીત અરવિંદ રાણાને 104 દારૂની બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ એલસીબી ઝોન-2ની ટીમના પીએસઆઇ રામદેવસિંહ ઝાલા, રાહુલભાઇ ગોહિલ અને ધર્મરાજસિંહ ઝાલા, સહિતના સ્ટાફે જાગનાથ પ્લોટ શેરી નં.41ના ખૂણા પાસેથી કમલેશભાઇ ભીમજીભાઇ ચુડાસમા (રહે.ધર્મરાજનગર શેરી નં.2 બાબુભાઇ આહિરના મકાનમાં ભાડેથી)ને ચાર રમની બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.