ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટીની રેડ દરમિયાન દારૂની બોટલો મળી, માલિક વિરૂધ્ધ ગુનો
શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટી વિભાગના દરોડા દરમિયાન રેસ્ટોરન્ટમાંથી દારૂની બોટલો મળી આવી હતી. જીએસટી વિભાગે પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસે દોડી જઇ વિદેશી દારૂની ચાર બોટલ કબજે કરી રેસ્ટોરન્ટ માલીક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ 80 ફુટ રોડ પર ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓમ રેસ્ટોરસ્ટમાં ગત રાતે સીજીએસટી વિભાગના અધિકારીઓએ દરોડો પાડયો હતો. રેડની કાર્યવાહી દરમિયાન રેસ્ટોરન્ટમાંથી દારૂની બોટલો મળી આવતા રાજકોટ સીજીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ અંકિતકુમાર બછોલાલે પોલીસમાં જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ જે.જે. ગોહીલ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા રેસ્ટોરન્ટમાંથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલ નં.4 કિં.1490 મળી આવતા પોલીસે કબ્જે કરી હતી. રેસ્ટોરન્ટમાં રેઇડની કાર્યવાહી કરવા આવેલા જીએસટી અધિકારીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ દરોડાની કાર્યવાહી કરવા આવ્યા ત્યારે રેસ્ટોરન્ટ માલીક વલ્લભભાઇ જીવરાજભાઇ તારપરા અધિકારીઓ સાથે બોલાચાલી કરી ભાગી ગયા હતા. જેથી ભકિતનગર પોલીસે રેસ્ટોરન્ટ માલીક વિરૂધ્ધ પ્રોહિબીસનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
