વંથલીના નરેડી ગામે માલધારી અને વન કર્મચારી ઉપર સિંહણનો હુમલો
છેલ્લા ઘણા સમયથી વંથલી પંથકમાં સિંહ અને દીપડાના આંટાફેરા વધ્યા છે. વંથલી પંથકની સીમમાં હિંસક પ્રાણીઓની અવરજવરથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે થોડો સમય પહેલા જ વંથલીના સુખપુર ગામે સિંહે દેખા દીધા હતા. ત્યારે ગઇકાલે વંથલી તાલુકાના નરેડી ગામે ઘેટાં બકરાં ચરાવવા ગયેલા માલધારી પર સિંહણે હુમલો કર્યો હતો. સિંહણનું રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગના કર્મચારી પર પણ સિંહણે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.
રમેશ મુંધવા નામનો 40 વર્ષીય માલધારી ઘેટાં બકરાં ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયો હતો. તે સમયે સિંહણે માલધારી પર હુમલો કર્યો હતો. આ બાબતની જાણ વન વિભાગને થતાં વન વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જ્યાં રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગના કર્મચારી પર પણ સિંહણે હુમલો કર્યો હતો. સિંહણના હુમલાની જાણ આસપાસના ખેતરમાં કામ કરતાં લોકોને થતાં ટોળેટોળા એકઠા થયા હતા. સિંહણે હુમલો કરતાં ઇજાગ્રસ્તસ્ત માલધારીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વંથલી અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગના કર્મચારી પર સિંહણે હુમલો કરતા તેને પણ વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ બાબતે વંથલી વન વિભાગના અધિકારી લક્ષ્મણ સુત્રેજાએ જણાવ્યું હતું કે, બપોરના સમયે માલધારી પોતાના માલઢોર ચરાવવા માટે ગયા હતા, તે સમયે હુમલો કર્યો હતો. ત્યારે આ વાતની જાણ વન વિભાગને થતાં વન વિભાગ પણ સિંહનું રેસ્ક્યુ કરવા પહોંચ્યું હતું. તે સમયે વન વિભાગના એક કર્મચારી પર સિંહે હુમલો કર્યો હતો. હુમલો કરનાર સિંહો ગિરનાર તરફથી આવતા હોવાનું સામે આવ્યું છે અને આજે સિંહ મેઘપુર, સાતલપુર અને નરેડીનો જે સીમ વિસ્તાર છે, ત્યાં આવ્યા હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. હાલ બંને ઈજાગ્રસ્તોને જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને સિંહણનું રેસ્ક્યુ કરવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.