પુનિતના ટાંકા પાસે દારૂના કટિંગ વેળાએ એલસીબી ત્રાટકી, 3.82 લાખનો મુદ્દામાલ જપ્ત
શહેરમાં ડીસીપી ઝોન-2ની એલસીબીની ટીમે વહેલી સવારે પુનિતનગર પાણીના ટાંકા નજીક ખોડિયારપરા મેઇન રોડ પરથી દારૂૂનો જથ્થો ભરેલી વોક્સવેગન કાર સાથે એક શખ્સને પકડી લીધો છે. સાથેનો શખ્સ ભાગી ગયો હતો. લીંબડીથી આ દારૂૂ ભરીને રાજકોટ આવ્યા હતાં, પણ કટીંગ થાય એ પહેલા માલ પકડાઇ ગયો હતો.
ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, શક્તિસિંહ ગોહિલ, રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા અને કુલદિપસિંહ રાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જીજે03એફડી-2203 નંબરની લાલ રંગની ગાડી ખોડિયારપરામાં જવાના રસ્તે દારૂૂની કટીંગ કરવા આવે છે અને આ ગાડી ચામુંડા હોટેલ પાસેથી નીકળવાની છે. આથી વોચ રાખવામાં આવતાં બાતમી મુજબની લાલ ગાડી આવતાં પોલીસે તેને ઉભી રાખવાનો ઇશારો કરતાં જ ચાલકે કાર ઉભી રાખી હતી. ચાલક અને સાથેનો શખ્સ દોટ મુકી ભાગવા જતાં ચાલક પકડાઇ ગયો હતો. બીજો અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો.
ઝડપાયેલા શખ્સે પુછતાછમાં પોતાનું નામ રવિ કાનાભાઇ સોંડલા (ઉ.વ.22-રહે. ગ્રીન ચોક, રામનાથ મેઇન રોડ સેલાભાઇના પાનના ગલ્લા પાસે, લીંબડી) જણાવ્યું હતું. જ્યારે ભાગી ગયેલા શખ્સનું નામ સાગર સેલાભાઇ બોળીયા (રહે. રૈયાધાર) હોવાનું રવિએ કહ્યું હતું. વોક્સવેગન કારમાં ગ્રીનલેબલ વ્હીસ્કીની 180 એમએલની કાચની 72 હજારની 720 બોટલો હોઇ તે, 3 લાખની કાર, દસ હજારનો મોબાઇલ ફોન મળી કુલ 3,82,000નો મુદ્દામાલ કબ્જે કરી રવિની ધરપકડ કરવામાં આવી હતી. તે અને સાગર લીંબડીથી દારૂૂ ભરીને લાવ્યાનું રવિએ રટણ કર્યુ હતું.