વકીલ પર હુમલો કરનાર આરોપીઓની વકીલો દ્વારા ધોલાઈ
રાજકોટની નવી કોર્ટમાં પાંચમા માળે કોર્ટરૂૂમમાં વીડિયો રેકોર્ડિંગ કરવાની ના પાડનાર વકીલ પર તેના અસીલ બંધુએ હુમલો કર્યો હતો. સીનીયર એડવોકેટને છોડાવવા વચ્ચે પડેલા મહિલા વકીલને પણ બચકાં ભરી પછાડીને બેરહેમીથી માર માર્યો હતો. ઘટનાને પગલે વકીલો ભેગા થઈ ગયા હતા ત્યાર બાદ એકઠા થયેલા વકીલોએ વકિલોને માલ મારનાર બન્ને આરોપીઓને આડે હાથ લઈ ધોલાઈ કરી હતી.
કોર્ટમાં તંગદીલી સર્જાતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને વકીલોના રોષથી બચાવવા બન્ને ભાઈઓની અટકાયત કરી કોર્ટના કસ્ટડી રૂૂમમાં બંધ કરી દીધા હતા. વકીલોએ હુમલાખોર બન્ને શખ્સોને જાહેરમાં માર મારવાની માંગ કરી હતી અથવાતો બન્ને આરોપીઓને હવાલે કરવાની માંગ સાથે વકીલો વિફર્યા હતાં. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વકીલોના રોષ વચ્ચે બન્ને હુમલાખોરોને પોલીસ મથક લઇ જવામાં પોલીસને પરસેવો વળી ગયો હતો. પરંતુ રોષે ભરાયેલા વકીલો મચક આપતા ન હોવાથી ભારે તંગદિલી પ્રસરી ગઇ હતી અને લગભગ ચારથી સાડા ચાર કલાક બાદ મામલો થાળે પડ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના બાબરિયા કોલોની પાસે રંગીલા પાર્કમાં રહેતા એડવોકેટ ભાર્ગવ રમેશભાઈ બોડા(ઉ.વ.27) અને હનુમાન મઢી નજીક જૈન ઉપાશ્રય પાસે ઉપવન ફલેટમાં રહેતા તેના આસિસ્ટન્ટ મહિલા એડવોકેટ સરોજબેન મુકેશભાઇ વિંઝુડા(ઉ.વ.27) ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યે નવા કોર્ટ બિલ્ડિંગમાં હતા ત્યારે સોમનાથ સોસાયટીમાં રહેતા તેના અસીલ હરેશ ગોવુભા પઢિયાર અને અનિલ ગોવુભા પઢિયાર મારામારી અને ધમકીના કેસની તારીખ હોય કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટ બિલ્ડિંગમાં પાંચમા માળે આવેલી બી.પી.ઠક્કરની ચાલુ કોર્ટમાં વીડિયો રેકોર્ડિંગ કરતા એડવોકેટ ભાર્ગવ બોડાએ તેમને અટકાવ્યા હતા. આથી બન્ને ભાઈઓએ ઉશ્કેરાઇને વકીલો વિશે એલફેલ બોલી નીચે આવો તો ખબર પડે તેમ ઝઘડો કર્યો હતો.
જે બોલાચાલી બાદ ભાર્ગવ બોડા અને સરોજબેન વિઝુડા દાદરા ઉતરી રહ્યા હતા ત્યારે બન્ને આરોપીએ સીડી ઉતરી રહેલા ભાર્ગવ બોડાને પહેલા માળે આંતરી તેમના પર હુમલો કરી ભાર્ગવની ટાઈ ખેંચી નીચે પછાડી દઇ માર મારતા સરોજબેન છોડાવવા માટે વચ્ચે પડયા હતા. આથી ઉશ્કેરાયેલા પઢિયાર બંધુઓએ તેમના પર હુમલો. કરી તેમના હાથમાં બટકું ભરી લઇ નીચે પછાડી દઈ તેમને પણ માર માર્યો હતો. બનાવના પગલે દેકારો બોલી જતા મોટી સંખ્યામાં વકીલો એકઠા થઈ ગયા હતા હુમલામાં ઘવાયેલા યુવા એડવોકેટ ભાર્ગવ બોડા અને મહિલા વકીલ સરોજબેન વિઝુડાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાને લઈને એકઠા થયેલા વકિલોમાં રોષ ભભૂકતાની સાથે જ વકીલોએ હુમલાખોર પઢિયાર બંધુને આડેહાથ લઈ ધોરાઈ કરી હતી. દરમિયાનમાં આ ઘટનાની જાણ કોઇએ પોલીસને કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો કોર્ટ ખાતે ધસી આવ્યો હતો.
જ્યારે બીજીબાજુ કોર્ટમાં ફરજ બજાવતી પોલીસે બન્ને હુમલાખોરોને અટકમાં લઇ વકીલોના રોષથી બચાવવા રૂમમાં પુરી દીધા હતાં. ત્યારબાદ સાંજ સુધી વકીલોએ પોલીસને બન્ને હુમલાખોરોની જાહેરમાં સરભરા કરવા અથવા વકીલોને સોંપી દેવા તડાપીટ બોલાવી હતી. કોર્ટ બિલ્ડીંગમાં વકીલ પર થયેલા હુમલાના પગલે રાજકોટના વકીલોમાં રોષ ભભૂક્યો હતો. જેને પગલે કોઈ અઘટિત ઘટના ન બને અને બન્ને આરોપીઓને પોલીસ સ્ટેશને સલામત રીતે પહોંચાડી શકાય તેના ભાગરૂપે એસીપી રાધિકા ભારાઇ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોર્ટ ખાતે દોડી આવ્યા હતા અને ત્યારબાદ બન્ને હુમલાખોરોને કસ્ટડીમાંથી પોલીસ સ્ટેશન લઇ જવા પ્રયાસ કરતા વકીલોમાં ભભૂકી રહેલો રોષ લાવાની જેમ બહાર આવ્યો હતો અને પોલીસની હાજરીમાં બન્ને હુમલાખોરો પર તૂટી પડતા તેમને જીપમાં બેસાડતા પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો.
પોલીસે મહામહેનતે વકીલોના રોષ વચ્ચે બન્ને આરોપીઓને સુરક્ષીત રીતે પોલીસ સ્ટેશનસુધી પહોંચાડ્યા હતાં. હુમલામાં ઘવાયેલા મહિલા વકીલ સરોજબેન મુકેશભાઈ વિઝુડાએ હુમલાખોર પઢિયાર બંધુ વિરુદ્ધ મારામારી, એટ્રોસીટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદના આધારે એસીપી પશ્ર્ચિમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જોગાનુજોગ ગત 10 જાન્યુઆરીએ જનરલ બોર્ડમાં પણ બઘડાટી બોલી’ તી
રાજકોટમાં ગત વર્ષે જામનગર રોડપર નવ નિર્મિત કોર્ટનું લોકાર્પણ થયા બાદ કોર્ટમાં ટેબલો અને ખુરશી મુદ્દે વકીલો વચ્ચે સતત વિવાદ ચાલતો રહ્યો હતો. જે ટેબલ મુકવા મુદ્દે ગત 10 જાન્યુઆરીએ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જે જનરલ બોર્ડમાં વકીલો વકીલો વચ્ચે બઘડાટી બોલી હતી. જે ઘટનાને એક વર્ષ પૂરુ થતાં જોગાનુજોગ તેજ દિવસે નવા કોર્ટ બિલ્ડીંગમાં મહિલા સહિત બે વકિલ ઉપર હુમલો થયાની ઘટના ઘટી હતી.
બારની ચૂંટણીમાં વાયદાઓ કરનારા ઉમેદવારો સામે સોશિયલ મીડિયામાં ભારે રોષ
રાજકોટ બાર એસોસીએશનના વકીલોની એકતા તુટી રહી હોય તેમ અવાર નવાર વકીલો વચ્ચે વાકયુદ્ધ થઈ રહ્યું છે. જેની અસર બાર એસોસીએશનની ચૂંટણીમાં પણ જોવા મળે છે. ગઈકાલે કોર્ટમાં જ મહિલા સહિત બે વકીલ ઉપર તેના જ અસિલ દ્વારા હુમલો કર્યાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં વકીલોમાં મારામારી મુદ્દે ગરમાગરમ ચર્ચા સાથે આક્ષેપ બાજી થઈ રહી છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં વાયદાઓ કરનારા અને સિનિયર વકીલોને લઈને સવાલો ઉઠી રહ્યા છે.