મીઠાપુરની મહાકાલ ગેંગ ઉપર ‘ગુજસીટોક’ હેઠળ કાયદાનો સિકંજો
સંગઠીત ગુનાખોરી આચરતી ટોળકીના સાત શખ્સોની ધરપકડ, 14મી સુધી રીમાન્ડ પર
દેવભૂમિ દ્વારકા જિલ્લાની બિચ્છુ બાદ મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત સાત શખ્સો સામે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત બિચ્છુ ગેંગ વિરુદ્ધ આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ કિશનભા ભાવુભા માણેક (જોધાણી) (રહે. માણેક ચોક, સુરજકરાડી મુળ રહે. મેવાસા) અને મેહુલ ઉર્ફે ભુરો કમલેશભાઈ પરમાર (રહે. સાંઇ બાબાના મંદિરની પાછળ, આરંભડા સીમ, મુળ રહે. ભાતેલ, તા. ખંભાળિયા) દ્વારા સિન્ડિકેટ રચીને એક નવી મહાકાલ ગેંગ કાર્યરત થયેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.
ગત તા.15 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે આરોપીઓ દ્વારા એક યુવાનનું અપહરણ કરી પોતે ઉંચા વ્યાજે આપેલ નાણાની ઉઘરાણી કરવા તેમજ ખંડણી મેળવવા માટે તેનું અપહરણ કરી, ટેલિફોનીક ધાકધમકી આપી એકબીજાએ ગુનામાં મદદગારી કરી ગુનો આચર્યો હતો. જેથી તા.16ના રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ સંદર્ભે એલસીબીના સહયોગથી મીઠાપુરના પી.આઈ. દ્વારા હાથ ધરવામાં આવેલી ખાનગી તપાસ દરમ્યાન આરોપીઓ એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવી રહ્યા હોવાનું તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે ખૂનની કોશિષ, ધાકધમકી આપી ડરાવવુ, ધમકાવવું, અનુસુચિત જાતિ જન જાતિ ઉપર અત્યાચાર, ગેરકાયદેસરની મંડળી બની ગુના આચરવા જેવા શરીર સબંધી ગુનાઓ તથા મિલ્કત સબંધી જેવા કે ગેરકાયદેસર રીતે ખંડણી વસૂલવી તેમજ ગેરકાયદેસર રીતે પ્રોહિબીશન જેવી અસામાજિક પ્રવૃતિ આચરીને મીઠાપુર સહિત ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક અનુચિત લાભ મેળવતા હોવાનું ખુલવા પામ્યું હતું.
આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સતત આવી ગુનાહિત પ્રવૃતિ આચરી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટનું વિસ્તરણ કરી એક નવનિયુકત મહાકાલ ગેંગ ચલાવવા ઉપરાંત આરોપીઓની સતત ચાલી રહેલ ગુનાહિત પ્રવૃતિને અંકુશ મેળવવા ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવી અનિવાર્ય જણાતા જે આધારે ગુજસીટોક હેઠળની કાયદાકીય જોગવાઇઓ મુજબની પ્રક્રિયા પૂર્ણ કરી, ગત તા. 7 ઓક્ટોબરના રોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) હેઠળ કુલ 7 આરોપીઓ વિરૂૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ ત્રીજી ગેંગનો સફાયો કરવા ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે.ઉપરોકત ગુનાના કામના ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટના મુખ્ય સુત્રધારો સહિત કુલ સાત આરોપીઓનો આ ગુજસીટોકના કાયદા હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જે તમામને હસ્તગત કરી, તા. 14 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર મેળવવામાં આવ્યા છે.
આ ગુનાની આગળની વધુ તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ ચલાવી રહ્યા છે.આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર કિશનભા ભાવુભા માણેક (જોધાણી) (ઉ.વ. 24, રહે. ઉદ્યોગનગર, સુરજકરાડી) સામે ચાર ગુનાઓ અન્ય એક મુખ્ય સૂત્રધાર મેહુલ ઉર્ફે ભૂરો કમલેશ પરમાર (ઉ.વ. 19, રહે. આરંભડા સીમ) સામે પાંચ ગુનાઓ, તેમજ ગેંગના પાંચ સભ્યો એવા કરણભા જેઠા કારા (ઉ.વ. 19, રહે. ભીમરાણા) સામે ત્રણ, ઉમેશભા અજુભા માણેક (ઉ.વ. 21, રહે. સુરજકરાડી) સામે ત્રણ, કનૈયા ઉર્ફે કાનો સામરા હાથીયા (ઉ.વ. 25, રહે. આરંભડા) રહે આરંભડા સામે ત્રણ, એભાભા વીરાભા સુમણીયા (રહે. આરંભડા) સામે આઠ અને દીપુભા વીરાભા સુમણીયા (રહે. આરંભડા) સામે બે ગુનાઓ નોંધાયા છે.
ઉપરોકત મહાકાલ ગેંગને અંકુશમાં લઇ નેસ્તનાબૂદ કરવાના આ પ્રકરણમાં મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધમાં ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં તેમજ તેઓને ઝડપી પાડી સમગ્ર ઓપરેશન તથા ગુપ્ત વર્કઆઉટની કામગીરીમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહીલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એલસીબી ટીમ તેમજ મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝા તથા મીઠાપુર પોલીસ મથકના કર્મચારીઓ, પી.એસ.આઈ. એસ.વી. કાંબલીયા તથા ટેકનીકલ સેલના પોલીસ કર્મચારીઓ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.