For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં બોગસ દસ્તાવેજના આધારે જમીન કૌભાંડનો પર્દાફાશ

12:02 PM Sep 10, 2025 IST | Bhumika
દ્વારકામાં બોગસ દસ્તાવેજના આધારે જમીન કૌભાંડનો  પર્દાફાશ

બોગસ ચૂંટણી કાર્ડ બનાવીને આચરવામાં આવ્યું કૌભાંડ, ત્રણ શખ્સો ઝડપાયા

Advertisement

દ્વારકા તાલુકાના વરવાળા ગામે એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં વેચાણ દસ્તાવેજમાં બનાવટી આધાર પુરાવાઓ રજૂ કરીને આ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં દ્વારકા પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
દ્વારકા પંથકના ચકચારી બની ગયેલા આ પ્રકરણની જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના વરવાળા ગામે ચોક્કસ રેવન્યુ સર્વે નંબર ધરાવતી આશરે સવા ચાર એકર જેટલી જમીન કે જે વર્ષ 1960માં સરકાર દ્વારા જમીનના ખાતેદાર ગોરધનદાસ કાલુમલને ફાળવવામાં આવી હતી, તે જમીન તારીખ 13 માર્ચ 2025 ના રોજ દ્વારકાની કચેરીમાં વેચાણ દસ્તાવેજના આધારે નોંધણી કરવામાં આવી હતી. જેમાં ઓનલાઇન મ્યુટેશન થતા વરવાળા ગામના હક પત્રકે નોંધ નંબર 6109 થી તારીખ 13 માર્ચ 2025 ના રોજ વેચાણ નોંધ દાખલ કરવામાં આવી હતી.

આ નોંધ સામે જામનગરના રહીશ મહેન્દ્રભાઈ ગોરધનભાઈ વજીરાણી દ્વારા વાંધા અરજી રજુ કરી અને વેચાણની નોંધનો નિર્ણય થવા પ્રાંત અધિકારી કચેરી ખાતે તબદિલ કરવામાં આવી હતી. જેમાં આ વેચાણ થયેલી જમીનના ખાતેદાર તરીકે ગોરધનદાસ કાલુમલના ઓળખ તરીકેના દસ્તાવેજમાં રજૂ કરવામાં આવેલો ચૂંટણી કાર્ડ પ્રાંત અધિકારી દ્વારા ઓનલાઈન ખરાઈ કરવામાં આવતા આ ચૂંટણી કાર્ડ રજનીકાંત કરસનભાઈ અસવારના નામનું હોવાનું ખુલવા પામ્યું હતું. તેની સાથે અન્ય રજૂ કરવામાં આવેલા આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ બનાવટી હોવાનું જાહેર થયું હતું.

Advertisement

ઉપરોક્ત જમીનના ખાતેદાર ગોરધનદાસ કાલુમલના નામનો ઉપયોગ કરી અને બનાવટી ખોટા આધાર પુરાવા ઊભા કરી અને વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને દ્વારકાના પ્રાંત અધિકારીની સૂચના મુજબ સબ રજીસ્ટ્રાર નરેશભાઈ ભીમાભાઈ કરમટા (ઉ.વ. 31, રહે. મૂળ કેશોદ- જુનાગઢ) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેમાં આરોપી તરીકે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારના રહીશ ભગવાનજી રામચંદ્રભાઈ જોશી (ઉ.વ. 60) ભીમરાણા ગામના રાજા વજા ઉર્ફે વેજા ખાંભલા તેમજ ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા કિશન રજનીકાંત અસવાર નામના ત્રણ શખ્સો સામે ધોરણસર ગુનો નોંધી, ત્રણેયની અટકાયત કરી લેવામાં આવી હતી.
આરોપી રાજા વજા ખાંભલા અને કિશન રજનીકાંત અસવારે દસ્તાવેજ નોંધણી વખતે ફરિયાદી પાસે કેમેરાની સાક્ષીએ વેચાણ આપનારને તેઓ ઓળખતા હોય અને દસ્તાવેજમાં જણાવેલા નામ વાળા જ વ્યક્તિ હોવાનું જણાવી અને ફરિયાદી પાસે ખોટી ઓળખ આપ્યાનો ગુનો દાખલ કરાયો છે. આ ત્રણેય આરોપીઓને પોલીસે સ્થાનિક કોર્ટમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ પ્રકરણમાં આગળની તપાસ દ્વારકાના પી.આઈ. એ.એલ. બારસીયા ચલાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement