રેસકોર્ષ પાર્કનો ફલેટ પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ
લક્ષ્મી સોસાયટીના વૃધ્ધાએ ભાડે આપેલો ફલેટ પચાવી પાડતા ગુનો નોંધાયો
શહેરના રેસકોર્ષ પાર્કમાં વૃધ્ધાનો ફલેટ ભાડે રાખનાર મહિલાએ ફલેટ ખાલી નહીં કરી કબજો કરી લેતાં આ મામલે કલેકટર સમક્ષ લેન્ડગ્રેબીંગ હેઠળ થયેલી અરજીનાં આધારે વૃધ્ધાનો ફલેટ પચાવી પાડનાર મનહર પ્લોટમાં રહેતી મહિલા સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો છે. આ મામલે પ્રધ્યુમનનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી મહિલાને સકંજામાં લીધી છે.
મળતી વિગતો મુજબ, નાના મવા રોડ પર લક્ષ્મી સોસાયટી શેરી નં.4 ‘ધરતી’ મકાનમાં રહેતા 61 વર્ષિય અમુબેન સંજયભાઈ ચાવડાનો રેસકોર્ષ પાર્કમાં બિલ્ડીંગ નં.10માં પ્રથમ માળે 101 નંબરનો ફલેટ વર્ષ 2022માં મનહર પ્લોટ શેરી નં.11/15 ‘શુભલાભ’ એપાર્ટમેન્ટમાં રહેતાં અમિતાબેન ઉર્ફે અમિબેન કિશોરભાઈ ઉર્ફે કિશોરકુમાર શાહને ભાડેથી આપ્યો હતો. અમુબેનના ફલેટમાં ભાડેથી રહેતા અમિતાબેને આ ફલેટ ઉપર કબજો કરી લીધો હતો. ભાડા કરાર પૂર્ણ થવા છતાં નવો ભાડા કરાર કરાવ્યો ન હતો અને કોઈપણ જાતનું ભાડુ પણ ચુકવ્યું ન હતું. અને ફરિયાદીના માલિકીનો 22 લાખની કિંમતનો ફલેટ પચાવી પાડી તેના પર કબજો કરી લીધો હતો. આ મામલે અમુબેને કલેકટર ઓફિસ ખાતે લેન્ડગ્રેબીંગ હેઠળ અરજી કરી હતી. જેની સુનાવણી બાદ આ મામલે કલેકટર દ્વારા પ્રધ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધવા માટે હુકમ કરતાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3,4 (1) હેઠળ અમિબેન શાહ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે તેને સકંજામાં લીધા છે.