તાલાલા ચોકડી પાસે 8 વિઘા જમીન પર કબજો કરનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ
વેરાવળ બાયપાસ રોડ ઉપર તાલાલા ચોકડી પાસે આવેલી વેપારીની આઠ વિઘા જમીન ઉપર આઠેક વર્ષથી ેરકાયદેસર કબ્જો જમાવી બેસેલા શખ્સ સામે જીલ્લા કલેકટરના આદેશ બાદ પોલીસે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મુળ વેરાવળના અને હાલ અમદાવાદ રહેતા વેપારી ગ્યાનચંદભાઈ ભાનુશાળી અને તેમના પરીવારજનોની અહીંના બાયપાસની તાલાલા ચોકડી રોડ ઉપર આવેલી રે.સર્વે નં.547 વાળી આઠ વિઘા જમીન ઉપર ભાલપરા ગામના હિતેશ પટાટ નામના શખ્સ સને 2016 થી ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો હતો.
જેથી વેપારી ગ્યાનચંદભાઈએ ઘણી વખત પોતાની જમીનનો કબ્જો ખાલી કરી દેવા હિતેશભાઈને સમજાવટ કરતા હોવા છતાં તેઓ માનતા ન હતા અને કહેતા કે, તમારાથી થાય તે કરી લેજો તેવી ધમકી આપી જમીનમાં પ્રવેશવા પણ દેતા ન હતા. જેથી વેપારી ગયાનચંદભાઈએ ગત તા.6/6/2024 ના રોજ જીલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરી હતી. જેની તપાસમાં વેપારીની માલિકીની જમીન ઉપર હિતેશ પટાટએ કબ્જો કરેલ હોવાનું પ્રસ્થાપિત થયુ હતું. જેના આધારે જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુનો નોંધવા આદેશ કરેલ હતો. જેના આધારે પ્રભાસપાટણ પોલીસે વેપારીની ફરીયાદની વિગતોના આધારે ભાલપરાના હિતેશ પટાટ સામે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.