કુરિયરની પેઢીમાંથી 1.77 લાખની ચોરી કરનાર કુબલિયાપરાનો શખ્સ ઝબ્બે
શહેરના સામાકાંઠે કનકનગર આવેલી કુરિયરની પેઢીમાંથી 1.77 લાખની ચોરી કરનાર કુબલીયાપરાના શખ્સને થોરાળા પોલીસ મથકના સ્ટાફે ઝડપી લીધો હતો. તેમજ તેમની પાસેથી તમામ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ, થોરાળા પોલીસ મથકના પી.આઇ. એન.જી. વાઘેલાની રાહબરીમાં પી.એસ.આઇ. સી.વી.ચુડાસમા, એ.એસ.આઇ. રાજેશભાઇ મેર, હેડ. કોન્સ્ટેબલ ભરતસિંહ પરમાર, કિરણભાઇ પરમાર, જયરાજસિંહ કોટીલા, સંજયભાઇ ભરવાડ અને પ્રકાશભાઇ ચાવડા સહિતનો સ્ટાફ કનકનગરમાં થયેલી ચોરી અંગે આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં હતો ત્યારે ચોરી અંગેના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવી કુરિયર પેઢીમાંથી ચોરી કરનાર કુલબીયાપરાના વિપુલ વલ્લભભાઇ કાવેઠીયાને ઝડપી લીધો હતો. તેમજ તેમની પાસેથી 1.77 લાખનો મુદ્દામાલ રીકવર ર્ક્યો હતો.
આરોપી વિપુલ અગાઉ જુનાગઢ તાલુકા અને ગાંધીધામ રેલવે પોલીસના ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ ચોરીના ગુનામાં અન્ય કોઇ સંડોવાયું છે કે કેમ? તે અંગે થોરાળા પોલીસના સ્ટાફે વધુ તપાસ શરૂ કરી છે.