કાલાવડ રોડ સ્વામિ. મંદિર સામે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવા બાબતે પિતા-પુત્ર સામે ફરિયાદ
પોલીસે વાહન સાઈડમાં પાર્ક કરાવવાનું કહેતા આરોપીએ કહ્યું, તમને કયાં નડે છે તમે પોતાની મરજીથી કાયદા બનાવી હેરાન કરો છો
શહેરના કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરની સામે ખાણી-પીણીની લારીના સંચાલકો દ્વારા રસ્તા પર જાહેરમાં પાર્કીંગ કરાવવામાં આવતું હોવાની ફરિયાદ મળતાં પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને ટ્રાફીકને નડતરરૂપ વાહનોનું અલગ જગ્યાએ પાર્કીંગ બનાવવાનું કહેતા લારી સંચાલક પિતા-પુત્ર ઉશ્કેરાયા હતાં અને પોલીસને કહ્યું હતું કે, ‘રાત્રિના સમયે તમને કયા વાહન નડે છે, તમે તમારી મરજીથી કાયદા બનાવી હેરાન કરો છો.’ કહી ફરજમાં રૂકાવટ કરતાં પોલીસે ગુનો નોંધી પિતા-પુત્રને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
કાલાવડ રોડ પર નકલંક હોટલ પાસે ગોલાની લારી અને નાસ્તાની લારી ચલાવતાં બળવંત ઘનશ્યામભાઈ રાજા (ઉ.50) અને તેમનો પુત્ર રૂપેશ (ઉ.25) બન્ને દ્વારા પોતાની લારી નજીક જાહેર રસ્તા પર ગ્રાહકોના વાહનો પાર્કીંગ કરાવતાં હોય જે ટ્રાફીકને નડતરૂપ થતું હોય જેથી રાત્રિનાં સમયે બારેક વાગ્યે માલવીયાનગર પોલીસ મથકના ભાવેશભાઈ ગઢવી અને સ્ટાફ ગ્રાહકોના વાહન સાઈડમાં પાર્ક કરાવવાનું કહેવા ગયા ત્યારે લારીધારક બળવંતભાઈએ પોલીસની સાથે ગેરવર્તન કર્યુ હતું અને કહ્યું કે ‘અડધી રાત્રે તમોને વાહન કયા નડે છે, તમે પોલીસ તમારી મરજી મુજબ કાયદા બનાવી અમને હેરાન કરો છો’ કહી જોર જોરથી રાડો પાડવા લાગ્યા હતાં.
જેથી તેમને શાંતિથી વાત કરવાનું અને રોડ પરથી વાહન હટાવવાનું કહેતા બળવંતનો પુત્ર રૂપેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને ગ્રાહકોના વાહનો અહિં રોડ પર જ પાર્ક થશે. જુઓ આ પોલીસનો ત્રાસ અમને ખોટી રીતે હેરાન કરે છે તેમ કહી રાડો પાડવા લાગ્યા હતાં. જેથી પોલીસે અન્ય સ્ટાફને બોલાવી બન્નેને સકંજામાં લઈ પોલીસની ફરજમાં રૂકાવટ કરવા અંગેની કલમ હેઠળનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.