જૂનાગઢ મનપાના ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવરે દારૂ ઢીંચી અકસ્માત સજર્યો
ત્રણ લોકો ઈજાગ્રસ્ત, પોલીસે અકસ્માત સર્જનાર સહિત બે સામે પ્રોહીએકટ મુજબ ગુનો નોંધ્યો
શહેરના ઝાંઝરડા ચોકડી નજીક રોંગ સાઈડમાં પુર ઝડપે વાહન ચલાવી એક કાર અને અન્ય કારને ટોઈંગ કરતા યુવકોને ઈજાગ્રસ્ત કર્યા. જૂનાગઢ: મનપાના ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે દારૂૂ પી નશામાં ધુત બની શહેરના ઝાંઝરડા રોડ પર સરકારી ગાડી રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત કરી ફાયર ઓફિસર અને તેમના ડ્રાઈવરે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોના ટોળા એકઠા થઈ જતા બંનેને પકડી પોલીસને હવાલે કરી દીધા હતા. ડ્રાઈવર સામે દારૂૂ પી બેફીકરાઈથી વાહન ચલાવવાનો અને ચીફ ફાયર ઓફિસર નશાની હાલતમાં પકડાતા બંને સામે બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે.
ગત મોડી રાત્રીના ઝાંઝરડા રોડ પર રશ્મીનભાઈ વણપરીયાની કાર બંધ થઈ ગઈ હોવાથી તેણે ગાડીને ટોઈંગ કરવા માટે ક્રેઈન બોલાવી હતી. ક્રેઈનના સંચાલક પ્રદિપભાઈ ઉમરાણીયા અને તેમની સાથે રોહિતભાઈ સરવૈયા ક્રેઈન લઈ એચડીએફસી બેંક પાસે બંધ પડેલી કારને ટોઈંગ કરતા હતા. તેવામાં રોંગ સાઈડમાં આવેલી બોલેરોના ચાલકે પુરપાટ ઝડપે બેફીકરાઈથી ગાડી ચલાવી જે ગાડીને ટોઈંગ કરવાની હતી તેની આગળ અન્ય એક ફોરવ્હીલ પડી હતી તેની સાથે ભટકાવી બાદમાં જે ફોરવ્હીલને ટોઈંગ કરવાનું કામ કરતા રશ્મીનભાઈ, પ્રદિપભાઈ અને રોહિતભાઈને હડફેટે લઈ ત્રણેયને રસ્તા પર પછાડી દીધા હતા.ાત્કાલીક 108ને જાણ કરી ત્રણેય ઈજાગ્રસ્તોને શરીરે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જનાર કાર ચાલક અને તેમાં સવાર અધિકારીએ ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકોએ ગાડીમાંથી ચાવી કાઢી તેને પકડી લીધા હતા.જે વાહન વડે અકસ્માત કર્યો છે તે મનપાની ફાયર શાખાની જીજે-11-જીએ-0ર14 નંબરની બોલેરો કાર હતી. આ બોલેરો કારમાં સાયરનનું લાઉડ સ્પીકર તથા ફાયર બ્રિગેડની લાઈટો લગાવેલી હતી. આ સરકારી કારને તેમનો ચાલક વિજય કાચડીયા ચલાવતો હતો અને તેની સાથે જે વ્યક્તિ બેઠો હતો તે મનપાનો ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીંબડીયા હતો. આ બંને શખ્સો નશામાં ધુત બની ગયા હતા. તેમને નશામાં કોઈજાતનું ભાન ન રહ્યું હોવાથી ગંભીર અકસ્માત સર્જી દીધો હતો. સદનસીબે જાનહાની થઈ નથી પરંતુ મનપાના ઉચ્ચ અધિકારી અને તેમના ડ્રાઈવરે કરેલા કૃત્યથી મોટો વિવાદ સર્જાયો છે. આ અંગે રશ્મીનભાઈ વણપરીયાએ ફાયર વિભાગના ડ્રાઈવર વિજય કાચડીયા અને ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીંબડીયા સામે બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે.