હિરાસર એરપોર્ટમાં પેસેન્જરનાં લગેજ માંથી 2.30 લાખના દાગીનાની ચોરી, કર્મચારીની ધરપકડ
રાજકોટથી ફલાઈટમાં મુંબઈ ગયેલા મધ્યપ્રદેશના એક સરકારી અધિકારીના લગેજમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી ઝોન-1
રાજકોટનાં હિરાસર એરપોર્ટ ઉપરથી મુસાફરનાં લગેજમાંથી રૂા.2.30 લાખના સોનાના દાગીનાની થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-1ને ઉકેલી નાખી એરપોર્ટના જ કર્મચારીની ધરપકડ કરી છે. રાજકોટથી મુંબઈ મુસાફરી કરનાર મધ્યપ્રદેશના એક સરકારી અધિકારીના બેગમાંથી ટેકનીકલ સ્ટાફ તરીકે નોકરી કરતાં શખ્સે દાગીના અને રોકડા રૂપિયા ચોરી લીધા હતાં. જે ઘટનાના એક મહિના બાદ આ ભેદ ઉકેલાયો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ કામ અર્થે આવેલા મધ્યપ્રદેશના વતની એવા સરકારી અધિકારી રાજકોટથી મુંબઈની ફલાઈટમાં મુંબઈ ગયા બાદ તેમના સામાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી થઈ હોવાનું તેમને મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ જાણ થતાં આ મામલે તેમણે મુંબઈ પોલીસને જાણ કરી હતી. તેમજ એરપોર્ટ સત્તાધીશોને વાકેફ કર્યા હતાં. બનાવના એક મહિના બાદ આ અંગેની તપાસ રાજકોટ એરપોર્ટ પોલીસને મોકલવામાં આવી હોય જે મામલે એરપોર્ટ પોલીસ અને એલસીબી ઝોન-1ની ટીમે તપાસ કરતાં આ ચોરીમાં એરપોર્ટમાં ટેકનીકલ સ્ટાફ તરીકે નોકરી કરતાં કર્મચારી ચોટીલાના મોલડી ગામના જયરાજ કથુભાઈ ખાચરની સંડોવણી હોવાનું જાણવા મળતાં એલસીબીની ટીમે તેની ધરપકડ કરી તેની પાસેથી 90,000 રોકડા અને સોનાના દાગીના સહિત રૂા.2.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા ડીસીપી ઝોન-1 હેતલ પટેલની સુચનાથી એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી.ચુડાસમા તથા એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ એસ.એસ.જાડેજા અને તેમની ટીમે કામગીરી કરી હતી.