પુત્ર પિતરાઈ બહેનને ભગાડી જતા જનેતાને જેઠ-જેઠાણીએ માર માર્યો
ચોટીલામાં આવેલા ટાવર ચોક વિસ્તારમાં રહેતી મહિલાના પુત્ર પિતરાઈ બહેનને ભગાડી ગયો હતો. જેનો ખાર રાખી જેઠ-જેઠાણીએ મહિલાને પથ્થર વડે માર માર્યો હતો. મહિલાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલામાં આવેલા ટાવર ચોક વિસ્તારમાં રહેતાં ગીતાબેન દિલીપભાઈ વાઘેલા (ઉ.50) બપોરના અઢી વાગ્યાના અરસામાં ચોટીલા પોલીસ સ્ટેશન પાસે હતી ત્યારે તેના જેઠ જગદીશ દેવા અને જેઠાણી કંચનબેને ઝઘડો કરી પથ્થર માર માર્યો હતો. ગીતાબેન વાઘેલાને માથાના ભાગે ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં ગીતાબેનનો પુત્ર કપીલ હુમલાખોર દંપતિની પુત્રી અગાઉ ભગાડી ગયો હતો. જે પોકસો એકટના ગુનામાં કપીલ જેલમાં ધકેલાયો હતો. બાદ જામીન મુકત થયેલો કપીલ ફરી પિતરાઈ બહેનને એક માસ પૂર્વે ભગાડી જતાં બન્ને પરિવાર વચ્ચે ચાલતા ઝઘડાનો ખાર રાખી ગીતાબેન વાઘેલાની જેઠ-જેઠાણીએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસહાથ ધરી છે.