પોરબંદરમાં 6 કરોડનું કૌભાંડ કરનાર જલારામ સોસાયટીનો સંચાલક ઝડપાયો
પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં થયેલા કરોડોના કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. સોસાયટીના સંચાલક સંજય દાવડાને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે તેમની પત્ની સપના હજુ ફરાર છે.
વાડી પ્લોટ વિસ્તારમાં આવેલી જલારામ ક્રેડિટ સોસાયટીમાં સંચાલક સંજય દાવડા, તેમની પત્ની સપના અને પુત્ર મનને મળીને આશરે 6 કરોડ રૂૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. આ કેસમાં અગાઉ પોલીસે સંજયના પુત્ર મનનની ધરપકડ કરી હતી, જ્યારે સંજય અને સપના ફરાર થઇ ગયા હતા.
બાતમીના આધારે પોલીસની ટીમે ઉત્તર પ્રદેશ જઈને સંજય દાવડાને ઝડપી લીધો છે.આ કૌભાંડમાં 600થી વધુ રોકાણકારોએ સોસાયટીમાં પૈસા રોક્યા હતા, જે તમામ રકમ આરોપીઓએ હડપ કરી લીધી હતી.
મોટાભાગના થાપણદારો જરૂૂરિયાતમંદ પરિવારોના હોવાથી તેમની મૂડી ડૂબી જતાં ચિંતાતુર બન્યા હતા. પોલીસે સંજય દાવડાના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જે દરમિયાન કૌભાંડની વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. હવે મુખ્ય આરોપીની ધરપકડથી થાપણદારોને તેમની મૂડી પરત મળવાની આશા જાગી છે. પોલીસ હવે ફરાર આરોપી સપના દાવડાની શોધખોળ કરી રહી છે.